મોરબીના શનાળા ઘુનડા રોડ ઉપર ઇનોવા હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

- text


ઇનોવા કાર સાથે અકસ્માત સર્જાતા બાઈક પાછળ બેઠેલ ભત્રીજીને ઇજા પહોંચી

મોરબી : મોરબીના ઘુનડા રોડ ઉપર સભરાવાડીમાં રહેતો યુવાન મામાને ત્યાં પ્રસંગમાં ગયા બાદ બાઇકમાં પેટ્રોલ પુરાવા જતો હતો ત્યારે શનાળા ઘુનડા રોડ ઉપર ઇનોવા કાર ચાલકે અકસ્માત સર્જતાં યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલ 10 વર્ષની ભત્રીજીને ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુનડા રોડ ઉપર સભરાવાડીમાં રહેતા રમેશભાઈ બેચરભાઈ ડાભીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તા.7ના રોજ તેઓ તેમજ તેમના ભાઈ મનસુખભાઇ સહિતના પરિવારજનો રવાપર ખાતે મામાને ઘેર પ્રસંગ હોય ત્યાં ગયા હતા. જે બાદ મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવવાનું હોવાથી તેમના ભાઈ મનસુખભાઇ અને રમેશભાઈની 10 વર્ષની પુત્રી રાજેશ્વરી મોટર સાયકલ લઈ શનાળા પેટ્રોલ પુરાવવા જતા હતા ત્યારે ઘુનડા શનાળા રોડ ઉપર જીજે – 36 – એલ – 5310 નંબરની ઇનોવા કારના ચાલકે અકસ્માત સર્જતાં મનસુખભાઇનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે રાજેશ્વરીને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતની આ ઘટના અંગે સિટી એ ડિવિઝન પોલીસે ઇનોવા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text