karibu kenya !! મોરબીના સિરામીક ઉદ્યોગ માટે લાલ જાજમ પાથરતું કેન્યા

- text


કેન્યાના એમ્બેસેડર મી.વેલી બેટ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામીક ક્લસ્ટરની મુલાકાત બાદ અભિભૂત થયા

મોરબી : સમગ્ર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામીક ક્લસ્ટરની કેન્યાના એમ્બેસેડર વેલી બેટે ગઈકાલે મુલાકાત લીધી હતી. મોરબી મુલાકાત દરમિયાન કેન્યાના એમ્બેસેડર મોરબી સિરામીક એસોસિએશનના અગ્રણીઓ સાથે મુલાકાત કર્યા બાદ બ્લ્યૂ ઝોન સિરામીક કંપનીની મુલાકાત લીધી હતી અને સિરામીક પ્રોડક્ટ નિહાળી અભિભૂત થયા હતા. આ સાથે જ તેઓએ મોરબીના સીરામીક ઉદ્યોગપતિઓને બિઝનેશ પ્રમોશન માટે કેન્યા આવવા આમંત્રણ પાઠવવાની સાથે કેન્યામાં મોરબી જેવું જ સિરામીક ક્લસ્ટર સ્થાપવા લાલ જાજમ બિછાવી તમામ મદદની ખાતરી આપી હતી.

સિરામીક હબ મોરબીએ પોતાના ક્વોલિટી ઉત્પાદન થકી આજે સમગ્ર વિશ્વમાં નામના હાંસલ કરી ચીનને મ્હાત કરી વિશ્વમાં બીજા સૌથી મોટા ક્લસ્ટર તરીકે પ્રસ્થાપિત થયું છે ત્યારે ગઈકાલે સોમવારે કેન્યાના એમ્બેસેડર મિસ્ટર વેલી કે.બેટ મોરબીના મહેમાન બન્યા હતા. મોરબી મુલાકાત દરમિયાન તેઓએ મોરબીના એક્સપોર્ટર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી કેન્યામાં મોરબીના સિરામીક ઉત્પાદનો માટે વિશાળ તકો હોવાનું જણાવી બિઝનસ પ્રમોશન માટે આમંત્રણ આપી કેન્યા સરકાર તરફથી તમામ મદદ કરવા ખાતરી આપી હતી.

મોરબી મુલાકાત દરમિયાન કેન્યાના એમ્બેસેડર વેલી બેટ મોરબીની જાણીતી બ્રાન્ડ બ્લ્યુ ઝોન વિટ્રિફાઇડની મુલાકાત લીધી હતી અને ફેક્ટરી મુલાકાતમાં સિરામીક ટાઇલ્સ નિહાળી અભિભૂત થયા હોવાનું બ્લ્યુ ઝોનના મનોજભાઈ પટેલે જણાવ્યું હતું. મનોજભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, એમ્બેસેડર વેલી બેટ દ્વારા કેન્યામાં સિરામીક પ્રોડક્ટના બિઝનેસમાં ખુબ જ તકો રહેલી હોય પધારવા માટે આમંત્રણ આપવાની સાથે મોરબી જેવું જ સિરામીક ક્લસ્ટર કેન્યામાં ઉભું કરવા ખુલ્લું ઇજન આપ્યું હતું તેમજ કેન્યા સરકાર તરફથી તમામ મદદ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હાલમાં મોરબીની અનેક સીરામીક ફેકટરીઓ અને એક્સપોર્ટર્સ આફ્રિકન કન્ટ્રીમાં મોટાપ્રમાણમાં વ્યાપાર કરી રહ્યા છે અને આવનાર સમયમાં આફ્રિકન દેશોમાં વ્યાપારના ઉજળા સંજોગો જોતા અનેક ઉદ્યોગપતિઓ કેન્યા જેવા સલામત દેશમાં પોતાના ઉદ્યોગ શરૂ કરવા તત્પર પણ બન્યા છે અને હાલમાં મોરબીના જ બે ઉદ્યોગ સમૂહની આફ્રિકન દેશમાં સિરામીક ફેક્ટરી શરૂ પણ થઇ ચુકી હોવાનું સિરામીક ઉદ્યોગના સૂત્રો જણાવી રહ્યા છે.

કેન્યાના એમ્બેસેડર વેલી બેટ આ અગાઉ પણ મોરબીની ચારેક મુલાકાત લઈ ચુક્યા છે અને હવે બિઝનેસ પ્રમોશનની સાથે કેન્યામાં ઉદ્યોગ સ્થાપવા માટે પણ લાલ જાજમ બિછાવી મોરબી સીરામીક એસોસીએશનના હોદેદારો સાથે મહત્વપૂર્ણ મિટિંગ યોજતા હવે મોરબીના સીરામીક ઉદ્યોગે ખરા અર્થમાં વૈશ્વિક વ્યાપારમાં મહારથ મેળવી હોવાનું ફલિત થઈ રહ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text