જાગતા રહેજો ! વાંકાનેરના ગુલશન પાર્કને ધમરોળતા ચોર, ત્રણ જગ્યાએ ચોરી

- text


પોલીસ તપાસમાં અન્ય બે જગ્યાએ પણ ચોરી થયાનું બહાર આવ્યું : પીએઆઈ જાડેજા સહિતના કાફલા દ્વારા તપાસ

વાંકાનેર : વાંકાનેર ગતરાત્રે કોઇપણ પ્રકારના ડર વગર તસ્કરોએ ગુલશન પાર્કને રીતસર ધમરોળી નાખી એક, બે નહિ પરંતુ ત્રણ – ત્રણ જગ્યાએ હાથ ફેરો કરી પોશ વિસ્તારમાંથી મોટી માલમતાં ઉસેડી જઈ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જો કે, પોશ ગણાતી ગુલશન પાર્ક સોસાયટીમાં ક્યાંય પણ સીસીટીવી ન હોય પોલીસે આજુબાજુના અન્ય વિસ્તારમાંથી ફૂટેજ મેળવી તપાસનો દૌર શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ગુલશન પાર્કમાં રહેતા ગુલશન મકબુલભાઈના ઘરે ચોરી થયાનું સામે આવ્યુ છે જેમાં તસ્કરો પચાસથી સાઈઠ હજાર રોકડા ઉપરાંત છ થી સાત તોલા સોનાના દાગીના ચોરી ગયાનું સામે આવ્યું છે. ચોરીની તપાસ અર્થે ગયેલી પોલીસે પગેરું શોધવા માટે ગુલશન પાર્કના અન્ય વિસ્તારમાં તપાસ કરતા હતા. ત્યારે ગુલશન પાર્કમાં આવેલ સબ સેન્ટરની બાજુમાં નીર એન્ટરપ્રાઇઝના માલિક સવારે દુકાને પહોંચ્યા અને તાળા ખુલ્લા જોયા એવામાં પોલીસ પણ ત્યાં પહોંચતાં તેમને સ્વભાવિક રીતે પૂછ્યું કે ભાઈ તમારે ત્યાં તો કાંઈ થયું નથી ને ? ત્યારે નિર એન્ટરપ્રાઇઝમાં આવેલી વ્યક્તિ તાળા ખુલ્લા હોવાનુ કહ્યું હતું અને શટર ખોલતા અંદર ટેબલનું ખાનું ખુલ્લું હતું તપાસતા ટેબલના ખાનામાં રહેલા રૂપિયા 7400 અને એક લેપટોપ ચોર લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.

બીજી તરફ નીર એન્ટરપ્રાઇઝમાંથી પોલીસ તપાસ કરી આગળ વધી તો એપફ્રોની ઓફિસ પાસે પહોંચતા પીએસઆઇ જાડેજાને શંકા જતા તેઓએ એક વ્યક્તિને દીવાલ ટપાળીને અંદર મોકલતા ત્યાં પણ ચોર ત્રાટક્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે એપફ્રોની ઓફિસમાં ચોર તાળા તોડીને અંદર તો ગયેલા પણ ત્યાંથી કોઈ પણ વસ્તુની ચોરી થઇ ન હોવાનું સામે આવ્યું છે.

નીર એન્ટરપ્રાઇઝમાં દુકાનના શટરે મારેલા તાળાને કોઇ પ્રકારનું નુકસાન કર્યા વગર ખુલ્લા જોવા મળ્યા હતા, જેથી અંદાજ કરી શકાય કે અહીંયા ચોરે ડુપ્લીકેટ ચાવીથી તાળા ખોલ્યા હશે. આમ વાંકાનેરમાં એક જ રાત્રે શહેરની ભાગોળે આવેલી સોસાયટી ગુલશન પાર્કમાં ત્રણ ઘરને નિશાન બનાવી તસ્કરો પોતાનું કામ ઉતારી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુલશન પાર્કમાં સમયાંતરે બે ચાર લાખની ચોરી થાય છે ત્યારે પોલીસ સક્રિય થાય અને પેટ્રોલીંગ વધારે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. હવે શીયાળો આવી રહ્યો છે, ત્યારે દર વર્ષે આવા ચોરીના બનાવો વધતા હોય છે. આ વર્ષે હજુ ગુલાબી ઠંડીની શરૂઆત પણ માંડ થઈ છે ત્યાં જ ચોરે પોતાના કામની શરૂઆત કરી દીધી હોય લોકોને જાગતે રહોના પોકાર કરવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text