નળનું પાણી સીધું જ વાપરતા નહિ ! માંદા પડશો

- text


જન આરોગ્ય સાથે ખીલવાડ કરતી મોરબી પાલિકા ! લીલાપર ફિલ્ટર પ્લાન્ટ જ બે વર્ષથી બંધ : કેશર બાગ ઓવરહેન્ડ ટેન્કમાં હજુ પણ તરે છે મૃત કબુતરો

મોરબી : મોરબી પાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા જન આરોગ્ય સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો હોવાનું ચોંકાવનારું સત્ય મોરબી અપડેટ ટીમ બહાર લાવી છે. મોરબી શહેરને શુદ્ધ ફિલ્ટર કરેલું પાણી પૂરું પાડવામાં આવતું હોવાની પાલિકાની ગુલબાંગ સરાસર ઝુઠાણું સાબિત થયું છે કારણ કે, લીલાપર ફિલ્ટર હાઉસ જ બે વર્ષથી બંધ છે. એ થી પણ આગળ ગંભીર બાબત તો એ છે કે, સામાકાંઠા વિસ્તારની 50થી વધુ સોસાયટીને જ્યાંથી પાણી આપવામાં આવે છે તે કેશરબાગ ઓવરહેન્ડ ટેન્કમાં આજે પણ મૃત કબૂતર સંખ્યાબંધ હાલતમાં તરતા જોવા મળ્યા હતા.જેથી આ પાણી પીવું મોરબીના લોકો માટે જોખમી બન્યું છે.

શુક્રવારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભાગ્યલક્ષ્મી, અનુપમ સોસાયટી સહિતના વિસ્તારમાં મૃત પશુ પક્ષીના અવશેષો વાળું દૂષિત પાણી પાલિકા દ્વારા વિતરણ કરાતા નવરાત્રિના પવિત્ર દિવસોમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. બીજી તરફ આ ફરિયાદનો સાંજે જ નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું પાલિકાના વોટર વર્કસ વિભાગના જયેશ જાનીએ જાહેર કરી ફોટા પણ જાહેર કર્યા હતા.

દરમિયાન મોરબી અપડેટ ટીમે જનઆરોગ્ય સાથે થઈ રહેલા ખીલવાડ અંગે જાત તપાસ કરી કેશરબાગ ખાતે આવેલ પાંચ લાખ લિટરના પંપિંગ સ્ટેશન અને ઓવર હેન્ડ ટેન્ક ઉપર ચડીને સત્ય જાણવા પ્રયત્ન કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી અને આ ઓવરહેન્ડ ટેન્ક ઉપર જાળી ન હોવાથી પચાસથી વધુ કબુતરો ટેન્કમાં ઉડાઉડ કરતા હોવાની સાથે ચારથી પાંચ કબૂતર મૃત હાલતમાં પાણીમાં તરતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં અંદાજે એક લાખથી વધુ વસ્તીને કેશરબાગ પમ્પિંગ સ્ટેશનથી પાણી પૂરું પાડવામાં આવે છે. અહીં આવેલ એક લાખ લીટરના સંપ ઉપરાંત પાંચ લાખ લિટરની ઓવરહેડ ટેન્કમાં પાલિકાની ઘોરબેદરકારીથી સેફટી માટે નાખવામાં આવેલી જાળીનું અસ્તિત્વ જ મટી ગયું છે અને હાલમાં ઉપરથી જાળી તૂટીને નીચે આવી રહી છે.

મોરબી પાલિકા ફિલ્ટર કરેલ પાણી વિતરણ કરતી હોવાનું માની અનેક કુટુંબો નળ વાટે આવતા પાણીનો સીધો જ પીવા માટે તેમજ રસોઈ માટે ઉપયોગ કરે છે પરંતુ લીલાપર ફિલ્ટર સ્ટેશને પાણી છેલ્લા બે વર્ષથી ફિલ્ટર જ થતું ન હોવા ઉપરાંત કેશરબાગ પંપિંગ સ્ટેશને મૃત કબુતરો અને જીવજંતુ સાથેનું પાણી લોકોને ધાબડી દઈ પાલિકાનો વોટર વર્કસ વિભાગ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યો છે. આ સંજોગોમાં મોરબી પાલિકામાં ચૂંટાયેલા ભાજપના બાવને બાવન સભ્યો આ દિશામાં પણ દ્રષ્ટિપાત કરે તે જનહિતમાં હોવાનું મનાઈ રહ્યું છે.

મોરબી પાલિકા લોકોને રસ્તા, લાઈટ બાદ હબે પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેવી સ્થિતિ વચ્ચે કેશરબાગમાં બનવાયેલ સંપ અને ઓવરહેડ ટેન્કનું આયુષ્ય બે થી ત્રણ દાયકા જૂનું થયું હોય હાલમાં બન્નેની હાલત જર્જરિત બની છે અને પાણીના સંપમાં ગાબડા પડી ગયા હોય ગમે ત્યારે દુર્ઘટના સર્જાવાની દહેશત જોવાઇ રહી છે.

મોરબીના જન આરોગ્ય સાથે થઈ રહેલો ખીલવાડ મામુલી રકમના ખર્ચે બંધ થઈ શકે તેમ છે. જો પાલિકા દ્વારા મામુલી રકમનો ખર્ચ કરી સમ્પ તેમજ ઓવરહેડ ટેન્કમાં જાળી ફિટ કરવામાં આવે તો કબૂતર તેમજ અન્ય જીવજંતુ પાણી સંગ્રહ સ્થાનમાં આવતા અટકી શકે છે.પરંતુ લાખો કરોડોનું આંધણ કરતી પાલિકા પાસે કે સત્તાધારી પક્ષ પાસે જન આરોગ્યની બાબતો માટે આવો સમય કે કામ કરવાની નીતિનો અભાવ જોવા મળી રહ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text