રૂપિયા નહિ પરંતુ અવનવી વનસ્પતિના બીજ સાચવતી મોરબીની અનોખી બીજ બેંક

- text


મોરબીના સદગૃહસ્થની બીજ બેંકમાં જોડાયેલા છે રાજ્યભરના 2300થી વધુ પ્રકૃતિ પ્રેમીઓ

મોરબી : બેન્ક શબ્દ સાંભળતા જ આપણા મનમાં રૂપિયાનો જ ખ્યાલ આવે, પરંતુ મોરબીમાં એક એવી અનોખી બેન્ક આવેલી છે જ્યાં રૂપિયા નહિ પરંતુ અવનવી વનસ્પતિઓના બીજ સચવાયેલા રહે છે અને સાથો – સાથ દરરોજ આ બેન્કમાંથી 4થી 5 હજાર બીજની લેવડ – દેવડ પણ થાય છે. સામાન્ય લાગતી આ બીજ બેન્ક પાસે થાપણરૂપે લાખોની સંખ્યામાં લુપ્ત થતી અને અવનવી કહી શકાય તેવી પ્રજાતિના બીજનો ખજાનો છે. મજાની વાત એ છે કે અહીં નફો કમાવાની નહિ પરંતુ પ્રકૃતિ ખીલવવાની ઉદાર ભાવના છે.

મોરબીના પ્રાણજીવનભાઈ કાલરીયાને આયુર્વેદ પ્રત્યેનો લગાવ અને પ્રકૃતિ પ્રેમને કારણે વનસ્પતિ અને ગૌ પાલનને લઈ માહિતીપ્રદ પુસ્તકો લખ્યા છે અને આ લેખનકાર્યમાં જ લોકોની જુગુપ્સા સંતોષવા આયુર્વેદિક વનસ્પતિની જાણકારી આપતું પુસ્તક લખ્યા બાદ તેમને મનમાં બીજ બેન્ક સ્થાપવાની પ્રેરણા મળી, આજે તેમની બીજ બેન્કમાં રાજ્યભરના અને રાજ્ય બહારના પ્રકૃતિપ્રેમીઓ પણ મોટી સંખ્યામાં જોડાયેલા છે.

વનસ્પતિ બીજ બેંકના વટવૃક્ષ સમાન વિચારને પ્રાણજીવનભાઈ કાલરીયાના ફેસબુક પેઈજ વનવગડાની વનસ્પતિએ એટલી તે ગતિ આપી કે આજે આ ગ્રુપમાં 2300 જેટલા પ્રકૃતિપ્રેમીઓ જોડાયેલા છે અને બીજ બેન્કની થાપણમાં સતત વૃદ્ધિ કરવા સૌ કોઈ પ્રયત્નશીલ બન્યા છે.

મોરબીની આ બીજ બેંકમાં હાલમાં વૃક્ષની અલગ અલગ પ્રજાતિઓમાં અગથિયો લાલ, અગથિયો સફેદ, અરલું-ટેટુ, અરીઠા, આસુન્દ્રો, આમળા, આસોપાલવ, કડવો લીમડો, કડાયો, કરંજ, કરમદા, કાંચનાર, ખાટી આમલી, ખેર, ખીજડો, ખાખરો, ગરમાળો, ગંગેડા, ગુલમહોર, ગુંદા, ગોરસ આમલી, જરદાલું, જાંબુ, દીવડી, દાડમ, દેશીબાવળ, નગોડ, પારસ પીપળો, પીળી કરેણ, પીલુ લાલ, પીલુ સફેદ, પીલુ કાળા, પીંક કેશિયા, ફાલસા, બહેડા, બાલમખીરા, બોરસલી, બીલી, મરોડફળી, રકતચંદન, રતાંજલી, રાયણ, રેઇનટ્રી, રૂદ્રબીલી, લાલ ગલતોરો, વડ, વાયવરણો, વિકળો, શીમળો સફેદ, શીમળો લાલ, સફેદ ચંદન, સવન, સરગવો, સિંદૂરી, સીતાફળ, સોનમહોર, સિમારૂબા, સીસમ, હ૨ડે સહિતના વૃક્ષના બીજ નો ખજાનો ઉપલબ્ધ છે.

એ જ રીતે બીજ બેન્કમાં વિવિધ છોડમાં અશ્વગંધા, અસેળીયો, કરિયાતુ, કાગડોળિયુ, કાસુંદરો, કુંવાડિયો, ખપાટ, ખાટી ભીંડી, ગંગેટી, ગોખરું ઉભા, ગલગોટા, ગાદલિયો, છૂંછ, તુલસી, ધતૂરો કાળો, ધતૂરો-સફેદ, ધતૂરો પીળો(ત્રણ ફૂલ), નેપિયર, પાલખ, પોપટી, બાવચી, બીટ, ભીંડા, ભોંયરીંગણી-ઉભી, મરચા રેશમપટ્ટી, મરચા કાશ્મીરી, મરચા ઘોલર, મરેઠી, મરવો, મેથી, નાગલી, રાજમા નાના અને મોટા, લજામણી, વૈજયંતી, શંખપુષ્પી, સુર્યમુખી જેવી વેરાયટીના બીજ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત વેલની પ્રજાતિઓમાં કાંટાળા ઇન્દ્રામણા, રાતા ઇન્દ્રામણાં, કડવીનાઇ, ગલકા, કડવા ગલકા, કાંચકા, કુકડવેલ, કોઠીબા, ગરિયાવેલ, ગરણી-સફેદ, ગરણી-વાદળી, ગરણી વાદળી(ડબલ ફૂલ), ગળો, ચણોઠી-લાલ, ચણોઠી-સફેદ, ચણોઠી કાળી, ચણોઠી ગુલાબી, ચોળી, ડોડી, તુંબડી, તુંબડા દૂધી, દૂધી, વરધારો, વાલોળ, વારાહીકંદ(નોરવેલ), વિદારીકંદ, શતાવરી, શિવલીંગી, સકકરટેટી સહિતના કુલ મળી 150 પ્રકારના બીજ ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે વનસ્પતિ બીજ બેન્ક સામન્ય બેંકની જેમ જ દરરોજ બીજની લેવડ દેવડ કરે છે અને સરેરાશ દરરોજ 4થી 5 હજાર બીજ બેંકને પ્રકૃતિ પ્રેમીઓ સુધી રૂબરૂ કે કુરિયર મારફતે મોકલવામાં આવે છે અને વનવગડાની વનસ્પતિ ફેસબુક પેજ થકી ગુજરાતની સાથે રાજસ્થાન અને અન્ય રાજ્યમાંથી જરૂરિયાત મુજબ બીજ મંગાવી બેન્કને ધબકતી રાખવામાં આવે છે.જેમાં મોરબીના વિવિધ ગ્રુપનો સહયોગ મળી રહ્યો હોવાનું પ્રાણજીવનભાઈ ઉમેરે છે.

- text

આપ પણ આ બીજ બેન્કમાં જોડાઈ શકો છો અને બીજ મંગાવી કે મોકલી પણ શકો છો. બીજ મંગાવવા માટે ૯૪૨૬૨૩૨૪૦૦ નંબર પર વોટસએપ કરવાથી બેન્ક ખાતાની વિગત મળી શકશે, જમા કરાવી બીજ મંગાવી શકાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text