વિટ્રિફાઇડ ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્કવેર ફૂટે રૂ. 2થી 3નો ભાવ વધારો

- text


1 સપ્ટેમ્બરથી નેનો, ડબલ ચાર્જ, જીવીટી અને પીજીવીટી ટાઇલ્સ મોંઘી 

ગેસના ભાવ સળગતા ભાવમાં વધારો કરવા ઉદ્યોગકારો મજબુર

મોરબી : સિરામીક ક્લસ્ટર મોરબીમાં લાંબા સમય બાદ વિટ્રિફાઇડ ટાઈલ્સના ભાવમાં વધારો કરાયો છે. ગેસ, કોલસો અને રો-મટિરિયલના ભાવમાં વધારો થતા આગામી 1 સપ્ટેમ્બરથી નેનો, ડબલ ચાર્જ, જીવીટી અને પીજીવીટી ટાઇલ્સના ભાવમાં રૂપિયા 2થી લઈ રૂપિયા ત્રણ સુધીનો પ્રતિ સ્કવેર ફૂટે વધારો કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરબી સીરામીક એસોશિએશનની આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં વિટ્રિફાઇડ ટાઇલ્સના તમામ સેગમેન્ટમાં વધારો કરવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મોરબી સીરામીક એસોસીએશનના વિટ્રિફાઇડ ટાઇલ્સ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જાહેર કર્યું છે. મુકેશભાઈ કુંડારીયાએ ઉમેર્યું હતું કે, આગામી તા.1 સપ્ટેમ્બરથી ભાવ વધારો અમલી બનશે અને તમામ વેપારીઓ અને ગ્રાહકોને આ ભાવ વધારા અંગે જાણ કરવામાં આવી છે.

- text

વધુમાં, મુકેશભાઈ કુંડારીયાએ મોરબી અપડેટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સીરામીક રો-મટીરીયલ, ઈમ્પોર્ટ કોલસો, ડીઝલ અને છેલ્લે સીરામીક ટાઇલ્સ નિર્માણમાં મહત્વનું સ્થાન ધરાવતા નેચરલ ગેસના ભાવમાં તોતિંગ ભાવ વધારો થતા હવે જુના ભાવે વ્યાપાર કરવો કોઈપણ ઉત્પાદકને પોસાય તેમ નથી.

આગામી 1 સપ્ટેમ્બરથી અમલી બનવા જઈ રહેલા આ ભાવ વધારા અંતર્ગત નેનો અને ડબલ ચાર્જ વિટ્રિફાઇડ ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્કવેર ફૂટે રૂપિયા 2, વિટ્રિફાઇડ જીવીટી અને પીજીવીટીમાં 600×600 અને 600×1200માં પ્રતિ સ્કવેર ફૂટે રૂપિયા બે તેમજ જીવીટી-પીજીવીટી 800×800 સાઈઝના ભાવમાં પ્રતિ સ્કવેર ફૂટે રૂપિયા ત્રણનો ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર રીતે મોરબી સીરામીક એસોશિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને કાચામાલના ભાવમાં તથા ગેસના ભાવમાં વધારો થતા આગામી સમયમાં વોલટાઈલ્સ અને સેનેટરીવેર્સ ઉત્પાદનોમાં પણ ભાવ વધારો કરવામાં આવે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text