સિરામિક ઉદ્યોગોને મોટો ફટકો : ગેસના ભાવમાં અંદાજે રૂ. 5નો વધારો, મહિને રૂ.100 કરોડનું ભારણ વધશે

- text


 

આવતીકાલથી જ નવા ભાવ લાગુ : હવે એક ક્યુબીક મીટર ગેસનો ભાવ જો ત્રણ મહિનાનો એગ્રીમેન્ટ હશે તો રૂ. 37.51 અને જો એક મહિનાનો એગ્રીમેન્ટ હશે તો રૂ. 38.01

 

મોરબી : એક સાંધેને તેર તૂટે જેવી હાલત મોરબીના સિરામિક ઉદ્યોગની થઈ છે.એક સમસ્યાનું સમાધાન આવે ત્યાં ફરી બીજી કોઈ સમસ્યા આ ઉદ્યોગને નડી જ જાય છે. હાલ એક તરફ વૈશ્વિક માર્કેટમાં સિરામિક ઉદ્યોગ પોતાનું સ્થાન જમાવવા માટે કોસ્ટ ઘટાડવાના તનતોડ પ્રયાસો કરી રહ્યું છે. તેવામાં આજે ઉદ્યોગ માટે પડકારરૂપ જાહેરાત ગેસ કંપની દ્વારા થઈ છે. ગેસ કંપનીએ ગેસના ભાવ એક ક્યુબીક મીટરે રૂ. 4.37 પ્લસ ટેક્ષ જેટલા વધારી દેતા ઉદ્યોગકારો ચિંતિત બન્યા છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક બજારમાં પોતાને જોરે એક અલગ સ્થાન બનાવી ચૂક્યું છે. હવે આગળ વધવાનું તો દૂર પોતાના સ્થાને ટકી રહેવું પણ આ ઉદ્યોગ માટે લોઢાના ચણા ચાવવા જેવું કપરું બન્યું છે. કારણકે સિરામિક પ્રોડક્ટની કોસ્ટમાં સૌથી અહમ ભૂમિકા ભજવતા એવા ગેસના ભાવ કમ્મર તોડ વધારો ઝીંકાયો છે. ગેસ કંપનીએ આજે અચાનક એક સાથે રૂ. 4.37 પ્લસ ટેક્ષ એટલે કે રૂ. 5થી વધુનો ભાવ વધારો ઝીંકી દીધો છે.

આ વધારો આવતીકાલે 24 ઓગસ્ટથી અમલમાં થવા જઈ રહ્યો છે. જેથી હવે આવતીકાલથી ગેસનો ભાવ જો ત્રણ મહિનાનો એગ્રીમેન્ટ હશે તો રૂ. 37.51 પ્રતિ ક્યુબીક મીટર અને જો એક મહિનાનો એગ્રીમેન્ટ હશે તો રૂ. 38.01 પ્રતિ ક્યુબીક મીટર રહેશે. મોરબીનો દરરોજનો ગેસ વપરાશ 70 લાખથી વધુ કયુબિક મીટરનો છે એટલે સિરામિક ઉદ્યોગો ઉપર મહિને અંદાજે 100 કરોડનુ ભારણ વધશે.

- text


અગાઉ જે ઓર્ડર લીધા છે એનું હવે શું કરવું ? : નિલેશભાઈ જેતપરિયા

સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ‘મોરબી અપડેટ’ને જણાવ્યું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસના ભાવના વધઘટ થયા કરે છે. પણ ગુજરાત ગેસે ત્રણ મહિને ભાવ વધારો કરવો જોઈએ અને ભાવ વધારા અંગે એક મહિના અગાઉ જાણ કરવી જોઈએ. જેથી ઉદ્યોગો નવા ઓર્ડર લ્યે તે નવી કોસ્ટને ધ્યાનમાં રાખીને લઈ શકે. વધુમાં તેઓએ કહ્યું કે ઓચિંતા ભાવ વધારાને કારણે ઉદ્યોગોનો 6 મહિનાનો પ્રોફિટ જતો રહે છે. અંતમાં તેઓએ અણિયારો સવાલ કર્યો હતો કે ગુજરાત ગેસે તાત્કાલિક ભાવ વધારો જાહેર કર્યો છે તો જે ઉદ્યોગોએ જુની કોસ્ટને ધ્યાને રાખીને ઓર્ડર લીધા છે તેનું શું થશે?


ગમે ત્યારે ભાવ વધારવા ઘટાડવા હોય તો ત્રણ મહિનાના એગ્રીમેન્ટનો શુ અર્થ?

ગુજરાત ગેસે ઓચિંતા જાહેર કરેલા ભાવ વધારાને પગલે ઉદ્યોગપતિઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગપતિઓ એવું જણાવી રહ્યા છે કે ગેસ કંપની ત્રણ મહિનાનો એગ્રીમેન્ટ કરે છે. આમ છતાં કંપની ગમે ત્યારે ભાવ વધારો જાહેર કરી દયે છે. માટે એવી પણ શંકા છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ગેસ કંપની ત્રણ મહિનાનો ગેસ ખરીદતી જ નહીં હોય. જો ખરીદતી હોય તો ત્રણ મહિના સુધીનો એગ્રીમેન્ટ હોવાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ભલે ભાવ વધે પણ ગેસ કંપની જુના ભાવે ગેસ આપી જ શકે.


ડબલ ચાર્જ અને નેનો બાદ હવે વોલટાઇલ્સ અને જીવીટીના યુનિટો પણ શટડાઉન થવાની ભીતિ

હાલમા ઉત્પાદન અને ડીમાન્ડના કારણે ડબલચાર્જ તેમજ નેનોના 85 જેટલા યુનિટો 1 મહીના માટે શટડાઉન થયા છે. ત્યારે ગેસ કંપનીના કમ્મરતોડ ભાવ વધારાથી હવે આવનાર સમયમા વોલટાઇલ્સ તેમજ જીવીટીના યુનિટો પણ શટડાઉન થાય તેવી ભીતિ જોવા મળી રહી છે. જો આ યુનિટો શટ ડાઉન થશે તો સિરામિક ક્ષેત્રને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવશે.


- text