મોરબી અપડેટ કોન્કલેવનો પ્રથમ દિવસ : મોરબીના સર્વાંગી વિકાસ માટે 100 સભ્યોની કમિટી રચવાનું આહવાન

- text


 

મોરબીના તમામ ઉદ્યોગોનું એક સંગઠન બનાવવાની હાંકલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોરબી બોલાવી તેમના દ્વારા મોરબીનું બ્રાન્ડિંગ કરાવવાનો સુઝાવ

મોરબી : મોરબી અપડેટ આયોજિત થીંક મોરબી કોન્કલેવનો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે જ ઉદ્યોગકારો તેમજ નેતાઓએ મોરબીના વિકાસ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. જેમાં મહત્વ કહી શકાય તેવું મોરબીના સર્વાંગી વિકાસ માટે 100 સભ્યોની કમિટી રચવાનું આહવાન કરવામાં આવ્યું હતું. સાથે મોરબીના તમામ ઉદ્યોગોનું એક સંગઠન બનાવવાની પણ વાત મુકવામાં આવી હતી. આ સાથે એક સુઝાવ એવો પણ હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા વિશ્વની બ્રાન્ડ છે. તો તેઓને મોરબી બોલાવી તેઓ દ્વારા મોરબીનું બ્રાન્ડિંગ કરાવવામાં આવે. તદ્દઉપરાંત મોરબીના અનેકવિધ પ્રશ્નો પણ આ કોન્કલેવમાં રજૂ થયા હતા.


મને પણ મોરબીની સ્થિતિ જોઈને દુઃખ થાય છે, લોકોના મનમાં ભાવ ઉત્પન્ન થશે તો જ મોરબી સમૃદ્ધ બનશે : મોહનભાઈ કુંડારીયા

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું કે મોરબી અપડેટ કોન્કલેવ 2021- વિઝન 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ 2025માં મોરબી કેવું હોવું જોઈએ તે માટેનો છે. કોઈ પણ પક્ષના કોઈ પણ નેતા હોય તેઓને માતૃભૂમિ માટે હદયમાં ભાવ હોય છે. માટે જ આવો ભાવ મારો પણ છે કે મોરબી વિશ્વના નકશામાં ઉપસી આવે. અગાઉથી પ્લાનિંગ હોય તો જ ડેવલપમેન્ટ થઈ શકે. પ્લાનિંગ માટે દિલીપભાઈ બરાસરાએ જે આયોજન કર્યું છે તે સરાહનિય છે. સૌના સુચનોને આધારે ચાલીને મોરબીને સમૃદ્ધ બનાવવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે હું રસ્તામાંથી નીકળું છું મને પણ દુઃખ થાય છે. કે વૈશ્વીક લેવલે રહેલા મોરબીની સ્થિતિ આવી કેમ હોય શકે ? પણ લોકોના મનમાં ભાવ ઉત્પન્ન થશે તો જ બધુ થશે. ઉદ્યોગપતિઓએ પણ આ માટે આગળ આવવું પડશે. 100 કરોડના પ્લાન્ટમાંથી રસ્તા માટે 50 લાખ વાપરવા જોઈએ. કારણકે સરકાર બધે ન પહોંચી શકે. લોકોનો અને ઉદ્યોગપતિઓનો સાથ હશે તો જ મોરબી સમૃદ્ધ બની શકશે. અંતમાં તેઓએ જણાવ્યું કે મોરબીના વિકાસ માટે 100 લોકોની કમિટી બનાવવામાં આવે.


કોન્કલેવમાં મારી જે જવાબદારી આવશે તે હું સુપેરે સ્વીકારીશ : બ્રિજેશભાઈ મેરજા

ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજાએ જણાવ્યું કે મોરબીના લોહીમાં જ પડકાર ઝીલવાની તાકાત છે. આજે મોરબી ફૌલાદી બનીને ઉભું છે. મોરબીએ જાતે સ્કિલ ડેવલપ કરીને પોતાને વિશ્વના નકશામાં ઉપસાવ્યું છે. વધુમાં તેઓએ કહ્યું કે મોરબી અપડેટ દરેક રજૂઆતને તંત્ર સુધી પહોંચાડે છે. અમે પણ મોરબી અપડેટના અહેવાલોને ગંભીરતાથી લઈને ત્વરિત કાર્યવાહી કરીએ છીએ. આ કોન્કલેવમાં મારી જે જવાબદારી આવશે તે હું સુપેરે સ્વીકારીશ. ઉપરાંત તેઓએ અંતમાં જણાવ્યું કે વિધાનસભા બેઠકમાં ચૂંટાયા બાદ તેઓએ છેલ્લા 6 મહિનામાં 650 કરોડના વિકાસ કાર્યો મંજુર કરાવ્યા છે. ઉદ્યોગોના તમામ પ્રશ્નો સાથે રહીને ઉકેલવા કાર્યશીલ રહ્યા છે.


મોદી આખા વિશ્વની મોટી બ્રાન્ડ, મોરબીનું બ્રાન્ડિંગ તેમની પાસે કરાવવું જોઈએ : પ્રકાશભાઈ વરમોરા

એફઆઈએના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું કે 1980માં ચાઇનની જીડીપી ભારતથી ઓછી હતી. પણ હવે ઊંધું થઈ ગયું છે. ચાઈનાની જીડીપી 17 ટ્રીલિયને પહોંચી છે. જ્યારે ભારતની 2.75 ટ્રીલીયન રહી છે. હવે વડાપ્રધાને 2030માં 10 ટ્રીલીયન જીડીપીનો લક્ષ્યાંક રાખ્યો છે. જેને આપણે સિદ્ધ કરવાનો છે. ગુજરાતના જીડીપીમાં ઉદ્યોગનો મોટો હિસ્સો છે. માટે સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ડેવલપમેન્ટ થતું નથી. તે પ્રજા ઉપર આધાર રાખે છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે ચાઈના પાસેથી આપણે શીખ લેવી જોઈએ. ચાઈના એક સમયે મેન્યુફેક્ચરિંગ કરતું રહ્યું. બાદમાં તેને સમજાયું કે ખાલી મેન્યુફેક્ચરિંગ નહિ પણ બ્રાન્ડ બનાવવી જરૂરી છે. બાદમાં તેને બ્રાન્ડ બનાવવાનું શરૂ કર્યું અને આજે એમઆઈ અને વન પ્લસ જેવી તેની બ્રાન્ડ અઢળક નફો કરવામાં સફળ રહી. મોરબીમાંથી પણ ગ્લોબલ બ્રાન્ડ બનાવવી જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા વિશ્વની મોટી બ્રાન્ડ છે. માટે મોરબીનું બ્રન્ડિંગ મોદીથી વિશેષ કોઈ ન કરી શકે. જેથી નરેન્દ્ર મોદીને મોરબી બોલાવીને તેમની પાસે આપણું બ્રાન્ડિંગ કરાવવું જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું કે ઉદ્યોગપતિઓએ બહાર પણ જવું જરૂરી છે. તો જ મોરબી આખા વિશ્વમાં છવાશે.


ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહિ થાય તો ઉદ્યોગો બીજે ચાલ્યા જશે. : જયસુખભાઈ પટેલ

ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલે જણાવ્યું કે આજે એક ઉદ્યોગપતિને તેના કારખાને જવા ટ્રાફિકના કારણે બે કલાકનો સમય થાય છે. જે દુઃખની બાબત છે. રોડ- રસ્તા, પાણી સહિતની સવળતોનો અભાવ છે. જો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહિ થાય તો ઉદ્યોગો બીજે ચાલ્યા જશે. મોરબી જો ઇન્કમની દ્રષ્ટિએ નંબર વન હોય તો કેમ ગવર્મેન્ટ તરફથી સુવિધાઓ મળતી નથી. તેઓએ સિમેન્ટ ફેકટરીના એસો. વિશે ઉદાહરણ આપતા જણાવ્યું કે આ એસો. તેના સભ્યો પાસેથી મેન્યુફેક્ચરિંગ કરેલી એક થેલી દીઠ અમુક ચાર્જ લ્યે છે. તેમાંથી મળેલા ફંડને રિસર્ચ પાછળ ખર્ચવામાં આવે છે. અને જાણવામાં આવે છે કે ભવિષ્યમાં ડિમાન્ડ શુ રહેશે. જેના આધારે તમામ સભ્યોને ઉત્પાદન કરવાનો ચોક્કસ આંકડો આપી દેવાય છે. આવું સિરામિકમાં પણ અમલી બનવું જોઈએ.


ફ્યુલ અને શિપિંગમાં રાહત મળે તો 5થી 7 વર્ષમાં મોરબી સિરામિક નંબર વન ઉપર આવી જાય : નિલેશભાઈ જેતપરિયા

મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં નંબર 2 ઉપર છે. ચાઈના સાથે આપણી પ્રાઇસ બાબતે હરીફાઈ છે. પણ ક્વોલિટીમાં આપણે બેસ્ટ છીએ. હાલના સમયમાં આપણે યુરોપ અને એમેરિકામાં ટાઇલ્સની નિકાસ કરતા થઈ ગયા છીએ. હવે આપણે વિશ્વમાં નંબર વનનું સ્થાન હાંસલ કરવા તરફ જઈ રહ્યા છીએ. કારણકે આપણી પાસે ક્વોલિટી ટીમ, શ્રેષ્ઠ ટેકનોલોજી, શ્રેષ્ઠ રો મટીરીયલ અને સાહસિક ઉદ્યોગકારો છે. આજથી 6- 7 વર્ષ પૂર્વે નવી ટેકનોલોજી આવી. જેની મદદથી આપણે જીસીસીના માર્કેટમાંથી ચાઇનાને આઉટ કરી દીધું. હવે સરકાર તરફથી સસ્તું ફ્યુલ અને શિપિંગ કોસ્ટ ઘટે તેવા પગલાં લેવામાં આવે. તો આપણે 5થી 7 વર્ષમાં નંબર વનનું સ્થાન હાંસલ કરી શકીશું.

- text


સરકારે ખાનગી કંપનીઓને પણ માર્કેટમાં આવવા દેવી જોઈએ : જયંતિભાઈ પટેલ

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું કે વિજયભાઈએ આજના કાર્યક્રમમાં ઉદ્યોગો માટે લાલ જાજમ પાથર્યુ છે. મોરબીની માંગ વિશે તેઓએ જણાવ્યું કે નવલખી બંદર સુધી ફોર ટ્રેક રસ્તો બને, ઉદ્યોગોની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે, નેશનલ હાઇવે સિક્સ ટ્રેક બને, રાજસ્થાનથી આવતા રો-મટીરિયલના પ્રશ્નનો નિવેડો આવે, ગેસમાં ગુજરાત ગેસ કંપની ઉપરાંત ખાનગી કંપનીને પણ માર્કેટમાં આવવાની મંજૂરી મળે, સંકલન સમિતિ બનાવી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા દબાણો દૂર કરવામાં આવે, પીજીવીસીએલ દ્વારા કેબલ અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવે.


રો- મટીરીયલ રો-રો ફેરી કે ટ્રેન મારફત મળે તેવી સુવિધા ગોઠવવામાં આવે : મુકેશભાઈ કુંડારિયા

મોરબી સિરામિક એસો. પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું કે કેપિટા ઇન્કમમાં મોરબી ઇન્ડિયામાં નંબર વન છે. જેથી મોરબી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે. મોરબીના ઉદ્યોગોની પ્રોડક્શન કોસ્ટ ઘટાડવા માટે રો- મટીરીયલ રો-રો ફેરી કે ટ્રેન મારફત મળે તેવી સુવિધા ગોઠવવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગનું 2025માં વાર્ષિક ટર્ન ઓવર 3 લાખ કરોડે પહોંચે તેવો લક્ષ્યાંક છે. ઉપરાંત તેઓએ રોડ- રસ્તા અને ટ્રાફિકના પ્રશ્નો દૂર કરવાની પણ વાત કરી હતી.


જુના રોડ ડેવલપ કરવાની સાથે નવા રોડ પણ કાઢવા જોઈએ : કિરીટભાઈ ઓગણજા

સેનેટરી વેર્સના પ્રમુખ કિરીટભાઈ ઓગણજાએ જણાવ્યું કે લેટેસ્ટ મશીનરી અહીં જ બને તેના ઉપર સરકારે પગલાં લેવા જોઈએ. જેથી આપણે બીજા ઉપર આધાર રાખવો ન પડે. વધુમાં તેઓએ કહ્યું કે જયસુખભાઈ પટેલનું રણસરોવરનું સ્વપ્ન સાકાર થાય તો ઉદ્યોગોનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે છે. વધુમાં તંત્રએ 40 વર્ષમાં કોઈ નવો રોડ કાઢ્યો નથી. જે જુના રોડ છે તેને જ ડેવલપ કર્યા છે. નેશનલ હાઇવે સિટીમાં આવી ગયો છે. તેને બહાર કાઢવો જોઈએ. રીંગ રોડ પણ બનાવવો જોઇએ.


મોરબીના તમામ ઉદ્યોગોનું એક સંગઠન બનાવી પ્રકાશભાઈ વરમોરાને તેનું સુકાન સોંપવામાં આવે : શશાંકભાઈ દંગી

કલોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું કે વૈશ્વિક કક્ષાએ અજંતા બ્રાન્ડ એવડી છે કે તેની છત્રછાયામાં મોરબીની પ્રોડક્ટ ઓળખાય છે. મોરબીને સરકાર બીજા જિલ્લાની બરાબરીમાં બધું સરખું જ આપે છે. પણ મોરબી જિલ્લો ઉદ્યોગોને કારણે વિશેષ બન્યો છે. તેની જરૂરિયાત પણ વિશેષ છે.માટે સરકારે પણ બીજા જેટલું નહિ પણ વિશેષ જ આપવું જોઈએ. મોરબીના વિકાસ માટે એક કમિટી બનવી જોઈએ. જે દર બે મહિને બેઠક યોજી મોરબીના હિતમાં નિર્ણયો લ્યે. આ સાથે મોરબીના તમામ ઉદ્યોગોનું એક સંગઠન બનાવવામાં આવે અને પ્રકાશભાઈ વરમોરાને તેનું સુકાન સોંપવામાં આવે.

અંતમાં તેઓએ કહ્યું કે જયસુખભાઈએ મંદીના કાળમાં કલોક ઉદ્યોગોને કહ્યું કે તમારી કલોક મને આપી દયો, હું વેંચી દઈશ. તેની ક્વોલિટી ચેક કરી જો બધું બરાબર હશે તો એક જ અઠવાડિયામાં પેમેન્ટ આપી દઈશ. આવી રીતે જયસુખભાઈએ ઉદ્યોગો પાસેથી 20 લાખ જેટલી કલોક લઈને ઉદ્યોગોને ઉગાર્યા હતા. આમ તમામ ઉદ્યોગો એક- બીજાને મદદરૂપ થાય તો મોરબીના ઉદ્યોગો વિશ્વ કક્ષાએ વધુ આગળ આવશે.


મોરબી શહેરને મહાપાલિકા પણ આપવામાં આવે : CA સમીર મહેતા

સી.એ. એસોસિએશનના અગ્રણી સમીર મહેતાએ જણાવ્યું કે મોરબીમાં ચાર એસ (S)ને અપનાવવામાં આવે. (1)સ્માર્ટ મોરબી (2) શિક્ષિત મોરબી (3) સુંદર મોરબી (4) સ્વચ્છ મોરબી. વધુમાં તેઓએ જણાવ્યું કે મોરબીને જેમ જીલ્લો બનાવવામાં આવ્યો એમ હવે મોરબી શહેરને મહાપાલિકા પણ આપવામાં આવે. જેથી અહીં એડમિનિસ્ટ્રેટીવ કક્ષાના અધિકારીના હાથમાં સુકાન આવે અને વિકાસ ઝડપથી થઈ શકે.


2007માં પોલીપેકની 10 ઇન્ડસ્ટ્રીઝ હતી, આજે 125 : જગદીશભાઈ પનારા

પોલીપેક ઇન્ડસ્ટ્રીઝના જગદીશભાઈ પનારાએ જણાવ્યું કે ગુજરાતની આ ઇન્ડસ્ટ્રીઝ ભારતભરમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે મોરબીની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતભરમાં 35 ટકાનો હિસ્સો ધરાવે છે. મોરબીના વર્ષ 2007માં પોલીપેકની 10 ઇન્ડસ્ટ્રીઝ જ હતી. 2014માં 38 થઇ, 2019માં 75 અને હાલ 2021માં 125 ઇન્ડસ્ટ્રીઝ થઈ. હજુ ટૂંક સમયમાં જ 160 ઇન્ડસ્ટ્રીઝ થઈ જશે.


- text