લોકોને કોરોના આફતમાંથી ઉગારનાર મોરબીનો સીરામીક ઉદ્યોગ વાવાઝોડાની આફતમાંથી બચ્યો

- text


જો વાવાઝોડું મોરબીના સીરામીક ઉદ્યોગ પરથી પસાર થયું હોત તો કલ્પી ના શકાય તેવી તારાજી સર્જાત પરંતુ વાવાઝોડાએ દિશા બદલતા મોરબીના તમામ ઉદ્યોગગૃહો સુરક્ષિત

સિરામિક, પેપરમીલ અને ઘડિયાળ સહિતના ઉદ્યોગ જગત પરથી તૌઉતે વાવાઝોડાની ઘાત ટળી

મોરબી : વાવાઝોડા તાઉતે જો મોરબી નજીકથી પસાર થયું હોટ તો સિરામિક ઉદ્યોગને ખુબ જ મોટી નુકશાની સહન કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ તેમ હતી પરંતુ આપત્તિના સમયમાં હંમેશા લોકોની મદદ માટે ખડેપગે રહેતા અને અનેક પરીવારને આજીવીકા આપવાની સાથે છેલ્લે કોરોના મહામારીમા મોરબીમાં ઓક્સીજન રૂપી શ્વાસ પુરો પાડી અનેક લોકો અને સંસ્થાની મદદ કરનાર મોરબીનો સિરામિક ઉદ્યોગે આ વાવાઝોડાની મોટી આફતમાંથી ઉગરી ગયો છે સાથે સાથે મોરબીના અન્ય ઉદ્યોગોમાં પેપરમીલ, ક્લોક ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય નાના મોટા ઉદ્યોગો પણ આફતમાંથી મચી ગયા છે.

હવામાન વિભાગની અગાવની આગાહી મુજબ તોઉતે વાવાઝોડું મોરબી જિલ્લા ઉપરથી પસાર થવાનું હતું. અને મોરબીમાં150 કીમિની ઝડપે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી હતી. જો આગાહી મુજબ વાવાઝોડું મોરબી સીરામીક ઉદ્યોગ પરથી પસાર થયું હોત તો કલ્પી ના શકાય તેવી તારાજી સર્જાત પરંતુ વાવાઝોડાએ દિશા બદલતા મોરબીના તમામ સિરામિક, પેપરમીલ અને ઘડિયાળ સહિતના ઉદ્યોગ જગત પરથી તૌઉતે વાવાઝોડાની ઘાત ટળી ગઈ હતી. જો કે અગમચેતીના ભાગે રૂપે મોરબીના તમામ ઉદ્યોગકારોએ વ્હેલાસર શટ ડાઉન કરી તમામ શ્રમિકો, કર્મચારીઓને સલામત સ્થળે ખસેડી લીધા હતા. જ્યારે હંમેશા લોકોની મદદ માટે ખડે પગે રહેતા મોરબીના ઉદ્યોગકારો વાવાઝોડાની ભયંકર નુકશાની માંથી કુદરતે બચાવી લીધા છે.

આ અંગે સીરામીક ઉદ્યોગના આગેવાનો નિલેશભાઈ જેતપરીયા અને મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, મોરબીના સીરામીક ઉધોગને આ વાવાઝોડાથી કોઈ જ નુકશાન થયું નથી. ખાસ કરીને સીરામીક ઉધોગમાં મોટા પતરા વાળા શેડ સહિતના બાંધકામો હોવા છતાં વાવાઝોડાની તમામ પ્રકારની ગંભીર અસરોથી આ ઉદ્યોગ ઉગરી ગયો છે. ઈશ્વરના આશીર્વાદથી વાવાઝોડાની દિશા બદલતા મોરબી અને સીરામીક ઉદ્યોગ પરનું સંકટ ટળી ગયું છે.

જિલ્લાના અન્ય એક મહત્વના એવા મીઠા (નમક) ઉધોગના અગ્રણી દિલુભાઈએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વરસાદની સીઝનમાં જે પ્રકારની સાવચેતીના પગલાં ભરવા જોઈએ એવા પગલાં આ વાવાઝોડા સંદર્ભે પણ ભરતા મીઠા ઉદ્યોગમાં, અગરોમાં કોઈ નુકશાની થઈ નથી. મોટા ભાગના તમામ યુનિટોમાંથી શ્રમિકો અને કર્મચારીઓને અગાઉથી જ સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરીત કરી દીધા હતા, જ્યાં આશ્રય ભોજનનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને અગરિયાઓને કોઈ તકલીફ ન પડે એ માટેની વ્યવસ્થા ગોઠવાઈ હતી. આમ નમક ઉદ્યોગપરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું હોવાનું દિલુભાએ ઉમેર્યું હતું.

- text

મોરબીના અન્ય એક મહત્વના એવા પેપર મિલ ઉધોગના કિરીટભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે, વાવાઝોડાની ચેતવણીના પગલે ગઈકાલે સોમવારે સાંજે જ તમામ મિલકર્મીઓ અને અન્ય શ્રમિકોને સલામત સ્થળે ખસેડી લઇ યુનિટો બ્રેકડાઉન કરવામાં આવ્યા હતાં. ભારે પવન અને વરસાદી ઝાપટા કે ક્યારેક ભારે વરસાદી ઝાપટાથી પેપર ઉદ્યોગને કોઈ જ પ્રકારનું નુકશાન થયું નથી. આવતીકાલે બુધવારે સવારથી પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝ ફરી પાછી રાબેતા મુજબ ધમધમતી થઈ જશે. આજે રાત્રિથી જ એ માટેની પ્રક્રિયાનો પ્રારંભ થઈ જશે એવું કિરીટભાઈએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

મોરબીની વિશિષ્ટ ઓળખસમા ક્લોક ઇન્ડસ્ટ્રીઝની વાત કરીયે તો આ વાવાઝોડાથી ક્લોક ઇન્ડસ્ટ્રીઝને પણ કોઈ નુકશાન થયું નથી. જો કે, ભારે પવન સાથે ત્રુટક ત્રુટક વરસી રહેલા વરસાદને કારણે હાલ તો ક્લોક ઇન્ડસ્ટ્રીઝના નાના મોટા યુનિટોનો બચાવ થયો છે એમ જણાવતા ક્લોક ઇન્ડસ્ટ્રીઝના શશાંકભાઈ દંગીએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, મોરબીના લાતી પ્લોટમાં આવેલા નાના મોટા યુનિટો માટે એક સાથે 3-4 ઇંચ વરસાદ મોટું જોખમ લઈને આવે છે. વાવાઝોડાના પગલે સૌથી વધુ ચિંતિત આ ઉદ્યોગકારો હતા કે જેઓ લાતી પ્લોટમાં પોતાના યુનિટો ચલાવે છે. છેલ્લા એકાદ મહિનાથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, અમે.પી., યુ.પી., કેરલા, દિલ્હી સહિતના રાજ્યોમાં લોકડાઉનને લઈને માલની જાવક જયારે બંધ છે ત્યારે લાતી પ્લોટમાં જો વરસાદી પાણી ફરી વળ્યાં હોત તો આ ઉધોગને કરોડો રૂપિયાનું નુકશાન લાંબાગાળા સુધી બેઠો થવા ન દેત. લાતી પ્લોટમાં ચોમાસાની સીઝનમાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યાને લઈને ક્લોક ઇન્ડસ્ટ્રીઝ વાવાઝોડાને લઈને સૌથી વધુ ચિંતિત હતી. સદ્દભાગ્યે વાવઝોડાએ મોરબીમાં પોતાનું રૌદ્ર રૂપ ન બતાવતા આ ઉદ્યોગ પરથી ઘાત ટળી ગઈ છે. જો કે, આવનારા ચોમાસાને લઈને શશાંકભાઈએ અત્યારથી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મોરબી પાલિકા ચાલુ વર્ષે પ્રિમોન્સુન કામગીરી કરે એમાં લાતીપ્લોટમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનું નિરાકરણ કરે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબીનો ઘડિયાળ ઉધોગ તંત્ર પાસે આવનારા ચોમાસાને લઈને આશા સેવી રહ્યો છે કે વર્ષો જૂની આ સમસ્યાનું ચાલુ વર્ષે કાયમી ધોરણે નિરાકરણ આવે તેવું ઈચ્છી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે જો વાવાઝોડું મોરબીથી પસાર થયું હોત તો સિરામિક એકમોને ખુબ જ મોટું નુકશાન પહોંચે તેમ હતું, આ સંજપગોમાં વાવાઝોડાએ દિશા બદલતા સીરામીક ઉદ્યોગનું સંકટ ટળી ગયું છે આ મામલે સીરામીક એસોસિશિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ ઉમેર્યું હતું કે, ખાસ કરીને કોરોના મહામારીમાં સિરામિક ઉદ્યોગે મોરબી જિલ્લાનો પ્રાણવાયુનો પ્રશ્ન ઉકેલતા વાવાઝોડાની આફત સામે સામાન્ય નાગરિકોએ પણ ચિંતાની લાગણી વ્યક્ત કરી ઈશ્વર પાસે આફત ટળે તેવી પ્રાર્થના કરતા આજે વાવાઝોડાની ઘાત ટાળવાની સાથે સિરામિક ઉદ્યોગ મોટી નુકશાનીમાંથી બચી ગયો છે.

- text