હડમતીયાનો ગરીબ ખેડુત પરિવાર પણ કોરોના દર્દીઓની મદદે આવ્યો

- text


લીંબુનું દરરોજ કરે છે નિઃશુલ્ક વિતરણ

ટંકારા: મહામારીનાં ચાલી રહેલા કપરાકાળમાં તાવ, શરદી, ઉધરસ, નબળાઈ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓને ડૉક્ટર લીંબુપાણી પીવાની સલાહ આપે છે. લોકોમાં આ અંગે જાગૃતિ પણ આવી છે. જો કે, દરવર્ષે ઉનાળામાં લીંબુના ભાવ આસમાને પહોંચે જ છે, પણ આ વર્ષે તો લીંબુની ડિમાન્ડ ખૂબ જ વધી જવાથી શહેરોમાં લીંબુ 150થી 200ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે અને તેમાં પણ લાવ લાવ થઈ રહ્યું છે ત્યારે કમાણીની લાલચ છોડી ટંકારાના હડમતીયા ગામના એક ગરીબ ખેડુત પરિવારે નિઃશુલ્ક લીંબુ વિતરણનું અભિયાન ચલાવ્યું છે.

ટંકારના હડમતિયામાં વાડી વિસ્તારમાં રહેતો ગરીબ ખેડુ પરિવાર દરરોજના 8થી 10 કિલો લીંબુ હડમતિયાના કોરોનાગ્રસ્ત તેમજ તાવ, શરદી, ઉધરસના દર્દીઓને નિઃશુલ્ક આપી પોતાની માનવતા દર્શાવી રહ્યો છે. સીતાપરા પરિવારની વાડીમાં 40/45 લીંબુના છોડમાં દરરોજ લીંબુનો જે પાક ઉતરે છે તે, હડમતીયા ગ્રામજનોમાં બીમાર અને કોરોનાગ્રસ્ત દર્દીઓ હોય તેઓને લીંબુનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યો છે. હાલ લીંબુના ભાવ 150થી 200ની આસપાસ બોલાઈ રહ્યા છે ત્યારે આ ગરીબ પરિવાર દરરોજના 8થી 10 કિલો લીંબુનું નિઃશુલ્ક વિતરણ કરીને ગ્રામજનો માટે વિટામિન સી.ની સરવાણી વ્હાવી રહ્યો છે. પ્રથમ નજરે નાની લાગતી આ સેવા પણ કેટલી મોટી અસર સર્જી શકે છે એ કલ્પનાતીત છે.

દરરોજના 8થી 10 કિલો લીંબુનું નિઃશુલ્ક વિતરણ કરાઈ રહ્યું છે તે જોતા રોજની 2000 રૂપિયાની કમાણી થઈ. જો દસ દિવસ પણ આ સેવા યથાવત ચલાવી શકાય તો 20,000 રૂપિયાની કમાણી આ ગરીબ પરિવાર જરૂરિયાતમંદ લોકો પર દિલથી ન્યોછાવર કરી રહ્યો છે. પરિવારના વિજયભાઈ સીતાપરા ઈલેક્ટ્રોનિક ફિટિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. વિજયભાઈ, સુમિત્રાબેન, સંદિપ અને નાવ્યા એમ ચાર વ્યક્તિનો પરિવાર કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ગ્રામજનોની ફુલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપે મદદ કરી રહ્યો છે. આ સેવા કાર્ય અંગે તેઓએ જણાવ્યું હતું કે, “રોજના 8થી 10 કિલો લીંબુ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં ફ્રી આપું છું. આ સેવા સાત-આઠ દિવસથી અવિરત ચાલુ છે, અને છોડમાં જ્યાં સુધી લીંબુ રહેશે ત્યાં સુધી અમારી આ સેવા ચાલુ રહેશે. સો સો સલામ આવા સેવાભાવી ગરીબ પરિવારને કે જેઓ આવી વિકટ પરિસ્થિતિમાં પણ માનવતાની જ્યોત પ્રજ્વલ્લિત રાખી છે.

- text

- text