મોરબી જિ. પં.ના અધિકારીઓએ કોરોનાને મ્હાત આપી પુન: જોશભેર કાર્યભાર સંભાળી લીધો

- text


ડીડીઓ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડેલા

મોરબી : મોરબીમાં કોરોનાના પ્રકોપથી જિલ્લા પંચાયત કચેરી પણ બાકાત રહી શકી ન હતી. જેમાં એક પછી એક એમ મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી જતા જિલ્લા પંચાયત કચેરી કોરોનાગ્રસ્ત બની હોય તેવી કપરી સ્થિતિ સામે આવી પડી હતી. ત્યારે ડીડીઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હવે કોરોના મુક્ત બનીને ફરીથી જોશભેર કામગીરી શરૂ કરી દેતા જિલ્લા પંચાયત હવે ધીરેધીરે પુનઃ ધમધમવા લાગી છે.

મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં છેલ્લા થોડા સમયમાં કોરોનાએ એટલી હદે કહેર મચાવ્યો હતો કે આ જિલ્લા પંચાયત કચેરીનો મોટાભાગનો સ્ટાફ કોરોના અજગરી ભરડામાં સપડાઈ ગયો હતો. જેમાં ડીડીઓ ભગદેવ પરીખ, બે ડેપ્યુટી ડીડીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મેડિકલ ઓફિસર, આંકડાકીય અધિકારી તેમજ ચારેક જેટલા કર્મચારીઓ, પદાધિકારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. આથી, બહુ ઓછા સ્ટાફથી ગાડું ગબડાવાતું હોય, જિલ્લા પંચાયત કચેરી ખાલીખમ જોવા મળતી હતી.

- text

ત્યારે હવે જિલ્લા પંચાયતનો મોટાભાગનો સ્ટાફ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈને ફરીથી કામગીરીમાં વળગી ગયો છે. જેમાં સોમવારથી જિલ્લા પંચાયત કચેરી ફરીથી ધમધમવા લાગી છે. જેમાં ડીડીઓ ભગદેવ પરીખ, ડે, ડીડીઓ ઇલાબેન ચૌહાણ,જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, રોગચાળા નિયત્રણ અધિકારી ડો. સી. એલ. વારેવાડિયા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ કોરોનાને મ્હાત આપીને ફરીથી કામગીરી શરૂ કરી દીધી છે.

- text