હળવદમાં કિડની દાનમાં આપી લાડકી દીકરીને બીજો જન્મ આપતી મા

- text


જન્મથી જ એક કિડની ખરાબ હતી અને તે પણ કામ કરતી બંધ થતાં માતા દ્રવી ઉઠ્યા

હળવદ : મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી છે મોરી માત રે…જનની ની જોડ સખી નહિ મળે રે લોલ… હળવદની જાનવી નામની દીકરી માટે આ કાવ્ય પંક્તિ એકદમ સાચી પડી છે, કિડનીની બીમારી ભોગવતી જાનવીને માતા કૈલાશબેને કિડનીનું દાન આપી ૧૯ વર્ષ બાદ બીજો જન્મ આપતા માતાપુત્રીના આ અનોખો પ્રેમનો કિસ્સો અનેક લોકોની પાપણોને પલાળી ગયો છે.

બાળકના જન્મ સાથે માતાનો પણ જન્મ થતો હોય છે. પોતાના વ્હાલસોયુ બાળક બાદમાં ગમે એટલું મોટું થાય તો પણ માતા પાસે તો આજીવન બાળક જ રહે છે ત્યારે સમાજને પ્રેરણા આપતો માતૃપ્રેમનો અનોખો કિસ્સો હળવદમાં જોવા મળ્યો છે અહીં એક માતાએ પુત્રીને એક વખત જન્મ આપ્યા બાદ પોતાની કિડનીનું દાન આપી વ્હાલસોયી લાડલીને બીજો જન્મ આપી મા તે મા અને બીજા વગડાના વા ઉક્તિને ચરિતાર્થ કરી છે.

મૂળ માથકના વતની અને હાલ હળવદ રહેતા નવીનભાઈ મદ્રેસાણીયાની ઘેર આજથી 19 વર્ષ પૂર્વે પુત્રીરત્ન રૂપે જાનવી મદ્રેસાણીયાનો જન્મ થયો હતો પરંતુ કુદરતે જનવીના જન્મ બાદ થોડી કમી રાખી દેતા જાનવીની તબિયત નરમ ગરમ રહેતી હતી અને તબીબી તપાસ કરાવવામાં આવતા જાનવીની એક કિડની જન્મથી જ ખરાબ હોવાનું સામે આવ્યું હતું. આમ છતાં પણ પિતા નવીનભાઈ અને માતા કૈલાશબેને જાનવીને કુમળી ફૂલની કળીની જેમ સાચવી અને ભણાવી ગણાવી ૧૯ વર્ષની કરી જો કે કુદરતને આ હસતા રમતા પરિવારની ખુશી મંજુર ન હોય તેમ ૧૯ વર્ષની ઉંમરે જાનવીની બીજી કિડની પણ ખરાબ થઈ જતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ

જો કે, જાનવીના જન્મદાત્રી માતા કૈલાશબેન મદ્રેસાણીયા જરાપણ નાસીપાસ થયા વગર ઈશ્વરની આ ચેલેન્જને પણ હસતા મોઢે જાણે સ્વીકારી લીધી હોય તેમ પોતાની લાડલી જાનવીની જિંદગી બચાવવા પોતાની કિડની દાન કરવાનું નક્કી કરી જાનવીની જિંદગીમાં અજવાળું પાથરવાની સાથે જાનવીને બીજો જન્મ આપવામાં નિમિત્ત બન્યા.

- text

હાલ માતા અને પુત્રીનું સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે. બન્ને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં છે. બન્નેની તબિયત સારી છે. આમ કૈલાશબેને પોતાની કિડનીનું દાન કરી જનનીની જોડ સખી નહિ મળે રે લોલ…તે પંક્તિ ને ખરા અર્થમાં પુરવાર કરી છે.

- text