ટંકારા : પાણીમાં ફસાયેલા મજુરોને બચાવવા બદલ પોલીસ જવાનનું સન્માન કરાયું

- text


ટંકારા : આજે મોરબી શહેર ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટંકારામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિ વખતે પાણીમાં ફસાઈ ગયેલા મજુરોને રેસ્ક્યુ કરી બહાર કાઢનાર જાંબાજ પોલીસ જવાન ફિરોજ ખાન પઠાણનું પ્રજાસત્તાક કાર્યક્રમમાં જીલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

ગત 23 ઓગસ્ટ, 2020ના રોજ ટંકારામાં લતીપર રોડ ઉપર આવેલા સરકારી સસ્તા અનાજના ગોડાઉનમાં મજુરો બપોરે ફસાઈ ગયા હતા. સાંજ સુધી વરસાદે વિસામો ન લેતા ઘોડાપુરની માફક ગોડાઉનમાં પાણી વધતા મજુરોના જીવ પડીકે બંધાયા હતા. ત્યારે કોઈએ ટંકારા પોલીસને જાણ કરતા મહિલા પી.એસ.આઈ. ગોંડલીયા સહિત પોલીસ સ્ટાફ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે કેડ સમા પાણીમાં જઈ UASI ફિરોજ ખાન પોતાની આગવી સુઝબુઝ અને અનુભવ થકી થોડીવારમાં 8-૯ જેટલા મજૂરોને હેમખેમ બહાર લાવ્યા હતા.

ફિરોજ ખાનની પ્રંશસનીય કામગીરીની નોંધ લઈ આજે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વેળાએ ટંકારાના જાંબાજ જવાન ફિરોજ ખાન પઠાણને જીલ્લા કલેકટરના હસ્તે પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો. આ અગાઉ પણ કલ્યાણપરના વોકળામાં રહેતા પરીવારના 42 સભ્યોને ફિરોજ ખાને રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. પોલીસ જવાન ફિરોજ ખાનને એસ.પી. એસ. આર. ઓડેદરા, ડી.વાય.એસ.પી. રાધિકાબેન ભારાઈ, પ્રો.એ.એસ.પી. અભિષેક ગુપ્તા, ટંકારા ફોજદાર બી. ડી. પરમાર સહિતના પોલીસ સ્ટાફ અને મિત્રવર્તુળ તરફથી શુભેચ્છા પાઠવી હતી.

- text

- text