મોરબી જિલ્લામાં આજથી ધો.10 અને 12ની 236 શાળાઓનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

- text


સરકારની ગાઈડલાઈનના અમલ માટે 2591 વિદ્યાર્થીઓના સંમતિ પત્રક આવ્યા : ડીઈઓએ ખાનગી સ્કૂલો સાથેની મીટીંગમાં ફુલપ્રુફ તકેદારી સાથે શાળા શરૂ કરવાનો તાકીદ કરી

મોરબી : કોરોના કાળમાં 10 મહિનાના લાંબા અંતરાલ બાદ રાજ્ય સરકારે તા. 11મીથી ધો. 10 અને ધો. 12ની શાળા શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આથી, મોરબી જિલ્લામાં આજથી ધો.10 અને 12ની 236 શાળાઓ શરૂ થઈ છે. શાળા શરૂ કરવા અંગે ડીઈઓની ખાનગી સ્કૂલોની સાથે એક મીટીંગ યોજાઈ હતી. જેમાં ફુલપ્રુફ તકેદારી સાથે શાળા શરૂ કરવાનો નિર્ણય જાહેર કરાયો છે અને સ્કૂલમાં સેનીટાઝેશન અને માસ્કનો ફરજિયાત અમલ થશે.

મોરબી જિલ્લામાં ધો.10 અને 12ની કુલ 236 શાળાઓ આજથી ખુલશે. આ 236 શાળામાં ખાનગી 125, સરકારી 37 અને ગ્રાન્ટેડ 74 શાળાનો સમાવેશ થાય છે. દસ મહિના બાદ ફરીથી શાળાઓ શરૂ થઈ છે. ધો. 10, 12ના 24068 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં ધો. 10ના 15079 અને ધો. 12માં 8989 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે 120 ખાનગી શાળાના 13767 અને બાકીના ગ્રાન્ટેડ અને સરકારી સહિત અન્ય તમામ શાળાઓના 10301 વિદ્યાર્થીઓ છે.

જોકે ખાનગી શાળા સંચાલક મંડળે તમામ વિદ્યાર્થીઓના વાલીઓને સંમતિ પત્રક મોકલાવ્યું હતું. જેમાં કોરોના અંગેની સરકારની ગાઈડલાઈનના અમલની બાંહેધરી પત્રક ભરી આપે એને જ શાળામાં પ્રવેશ આપશે અને શાળામાં દરેક વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરીને તથા સાથે સેનિટાઈઝની બોટલ પણ સાથે લઈ આવવાની સૂચના આપવામાં આવી છે.

ડીઈઓએ જણાવ્યું હતું કે, એસઓપી દરેક સ્કૂલ પોતાની રીતે બનાવી શકશે.દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઈઝની બોટલ અને ફરજિયાત માસ્ક પહેરીને આવવાનું રહશે અને નાસ્તો પણ બેન્ચમાં બેસીને જ કરવાનો રહેશે. સ્કૂલનું પાણી નહિ પણ ઘરેથી પાણી લઈને જ પીવાનું રહેશે. આ અંગે ડીઈઓએ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે બેઠકમાં સૂચના આપી હતી.

મોરબીમાં 236 શાળાઓમાંથી 98 શાળાઓના વિદ્યાર્થીઓના સંમતિ પત્રક આવ્યા છે. જેમાં સરકારીના 13, ગ્રાન્ટેડના 46 અને 39 સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધો.10 ના 5655માંથી 1745 અને ધો.12ના 3088માંથી 846 વિદ્યાર્થીઓના શનિવાર સુધીમાં સંમતિ પત્રક આવ્યા છે. બાકીના વિદ્યાર્થીઓના સંમતિ પત્રક હવે આવશે. જ્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ તમામ સ્કૂલોમાં સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા અને હાલ અઢીથી સાડા ત્રણ કલાક સ્કૂલ ચાલુ રાખવા તેમજ વિદ્યાર્થીઓને ફેસ સિલ્ડ પહેરીને આવવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આજથી સ્કૂલે આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે. હાલમાં સરકારના નિયમ મુજબ એક વર્ગના બે કે ત્રણ તેમ ભાગ પાડી દેવામાં આવ્યા છે. તેમજ એક બેન્ચમાં એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે. આ ઉપરાંત, શાળાઓમાં નજીકના આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલના નંબર રાખવામાં આવ્યા છે. જેથી, ઇમર્જન્સીમાં તેનો ઉપયોગ કરી શકાય.

- text

- text