‘દો બુંદ જિંદગી કે’ : કોરોના કાળ બાદ પ્રથમ વખત મોરબી જિલ્લામાં 17મીએ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાશે

- text


આરોગ્ય વિભાગે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા માટે 512 બુથમાં વ્યવસ્થા કરી, અંદાજે 1.52 લાખ બાળકો લાભ લેશે

મોરબી : ‘દો બુંદ જિંદગી કે’ સૂત્ર સાથે દેશના બાળકોને પોલિયો મુક્ત કરાવવા સરકારની પોલિયોના ટીપાં પીવડાવવાની ઝુંબેશ વર્ષોથી ચાલી રહી છે. પણ આ ઝુંબેશને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. કોરોના કાળમાં બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી સદંતર બંધ હતી. પણ હવે કોરોના ધીમો પડતા બાળકોને ફરી પોલિયોની રસી પીવડાવવાનું મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગે બાળકોને પોલિયો ટીપાં પીવડાવવા માટેની તૈયારીઓ કરી લીધી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરાએ જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનાની 17 તારીખે પોલિયો રવિવાર તરીકે ઉજવણી કરવામાં આવશે. જે માટે આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી પૂર્વ તૈયારી મુજબ 17 જાન્યુઆરીએ મોરબી જિલ્લાના 1,52,457 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.

- text

કોરોના કાળ બાદ પ્રથમ વખત આટલા બાળકોને પોલિયોનું રસીકરણ કરાશે. જિલ્લાના 512 જેટલા બુથમાં બાળકોને પોલિયો રસીકરણ માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાળકોને પોલિયો રસીકરણ માટે આરોગ્ય વિભાગના 1242 ટીમ, 423 મોબાઈલ યુનિટ, 23 જેટલી ટ્રાંજિસ્ટ યુનિટ અને 190 જેટલા સુપરવાઈઝર સહિતનો સ્ટાફ જોડાશે. આ જન્યુઆરીના પ્રથમ વિકમાં સ્ટેન્ડીગ કમિટીની બેઠક યોજશે. જેમાં તૈયારી અંગે ચર્ચા વિચારણા થશે.

- text