ઘાંટીલા ગામે ભારે વરસાદથી તૂટી ગયેલો બેઠોપુલ તાકીદે રીપેર ન કરાય તો આંદોલનની ચીમકી

- text


ગ્રામજનોએ સાંસદ અને ધારાસભ્યને રજુઆત કરી બેઠાપુલનું યોગ્ય રીનોવેશન કરવાની માંગ

માળીયા (મી.) : માળીયા મી. તાલુકાના ઘાટીલા ગામે આવેલો બેઠોપુલ ગત વર્ષે અતિવૃષ્ટિમાં તૂટી ગયો હતો. આ પુલ તૂટી જવાથી એટલી હદે જોખમી બની ગયો છે કે તેના પર અવરજવર કરવી એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરાબર છે. આ બેઠા પુલ ઉપર ગ્રામજનોને અવરજવર કરવી મુશ્કેલ બની છે. આથી, ગ્રામજનોએ સાંસદ અને ધારાસભ્યને રજુઆત કરી બેઠાપુલનું યોગ્ય રીનોવેશન ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

માળીયા મી.ના ઘાટીલા ગામના લોકોએ માર્ગ અને મકાન વિભાગ તથા સાંસદ અને ધારાસભ્યને રજુઆત કરીને જણાવ્યું હતું કે ઘાટીલા ગામનો બેઠોપુલ ગત વખતની અતિવૃષ્ટિમાં તૂટી ગયો હતો. આ ગામની અંદાજીત 5 હજારની વસ્તી છે. પણ બેઠોપુલ તૂટી જવાથી ગામલોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જુના ઘાટીલા ગામથી પંચવટી સોસાયટી અને શક્તિ સોસાયટીમાં અવરજવર માટેના વોકળામાં સતત પાણી વહે છે. પાણીના કોઝવેમાં ખાડા પડી ગયા છે. ગ્રામલોકોને ત્યાંથી અવરજવર કરવામાં પાણીનો પ્રવાહ અવરોધરૂપ બને છે. ઘણી વખત લોકો તેમાં પડી જાય છે અને વાહનો પણ ખાબકે છે. તેથી, ગામલોકોને જીવ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. આ કોઝવે ઉપર એસટી બસો અને ખાનગી વાહનોની અવરજવર હોય છે. તેમજ એક તાલુકાથી બીજા તાલુકાને જોડતા આ કોઝવે ખરાબ હોવાથી વહેલી તકે યોગ્ય રિપેરીગ કરવાની માંગ કરી છે. અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

- text

- text