ખાટકીવાસમાં જૂથ અથડામણમાં ડબલ મર્ડરની ઘટનામા સામસામી ફરિયાદ

- text


રફીક મેમણ અને મમુ દાઢીના જૂથે સામસામી ફરિયાદ નોંધાવી : પોલીસે બન્ને જૂથ સામે હત્યા અને ખૂની હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના ખાટકીવાસમાં રવિવારે બપોરે સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટ ઉગ્ર બનતાં સામસામી રિવોલ્વર ખેંચાઈ હતી. જેમાં બન્ને જૂથે એકબીજા ઉપર હથિયારોમાંથી ભડાકા કરતા બન્ને પક્ષના એક એક સભ્યની હત્યા થઈ હતી અને 6 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ ડબલ મર્ડરની ઘટનામાં એ ડિવિજન પોલીસે બન્ને જૂથની સામસામી ફરિયાદ નોંધવાની તજવીજ ધરી છે. જેમાં રફીક મેમણ અને મમુ દાઢી જૂથે એકબીજા ઉપર ઘાતકી હથિયારોથી હત્યા કરી અને ખૂની હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી હતી.

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલ રાજપૂત બારશાખ શેરીમાં રહેતા રફીક મેમણ અને મમુ દાઢીના પરિવારના સભ્યો વચ્ચે રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં છોકરાઓ વચ્ચે બાઈક રાખવા મુદ્દે તકરાર થઈ હતી અને જોતજોતામાં આ તકરારે હિંસક રૂપ ધારણ કરી લીધું હતું. જેમાં આ બન્ને જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણમાં બંદૂકમાંથી ભડકા થતા ખૂની ખેલ ખેલાયો હતો. બન્ને જૂથ વચ્ચેના સામસામા ફાયરિંગમાં બન્ને પક્ષની એક-એક લોથ ઢળી હતી. જેમાં રફીકભાઈ માંડલીયાના પુત્ર આદિલ રફીકભાઈ માંડલીયા (ઉ.વ. 32)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સામાપક્ષે મમુ દાઢીના ભત્રીજા ઇમરાનભાઈ સલીમભાઈ કાસમાણી (ઉ.વ. 35)નું રાજકોટ સારવાર માટે પહોંચે તે પહેલાં મોત નીપજ્યું હતું.

જ્યારે જૂથ અથડામણની ઘટનામાં બન્ને પક્ષના મળીને છ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં મમુ દાઢીના પરિવારના ઇજાગ્રસ્તમાં મહંમદહનીફ ગુલામ કાશમાણી (ઉ.50), કાદિર સલીમ બાલાણી (ઉ.25), ઈમ્તિયાઝ હનીફ કાશમાણી (ઉ.25) તેમજ રફીક મેમણના પરિવારના ઇજાગ્રસ્ત રૌફ રફીકભાઈ માંડલીયા (ઉ.28), અફઝલ રફીકભાઈ માંડલીયા (ઉ.26), સલીમ હનીફભાઈ (ઉ.19)નો સમાવેશ થાય છે.

આ બનાવમાં એક જૂથના રફીકભાઈ રજાકભાઈ માંડવીયા ઉર્ફે લોખંડવાલાએ સામેના જૂથના હનીફભાઈ ઉર્ફે મમુ દાઢી, તેમનો ભત્રીજો ઇમરાન, અલ્તાફ ઉર્ફે જગીરો, ઈમ્તિયાઝ હનીફભાઈ, સલીમભાઈનો છોકરો શબ્બીર, ઇમરાન ઉર્ફે ટાવર મહેબૂબભાઈ ચાનીયા,મકબુલ પીજારો, આસીફ કાસમાણી, અહેમદ ઇકબાલ બકાલી, શબ્બીરભાઈ અમીનભાઈ, યાસીન રજાકભાઈ, કાદરભાઈ સલીમભાઈ બાનાણી સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી અને આરોપીઓ એકબીજાની શેરીમાં રહેતા હોય ફરિયાદીના દીકરા શેરીમાંથી કામધંધા માટે બાઈક લઈને નીકળતા હોય. આરોપીઓને સારું ન લાગતા આ બાબતે આરોપી શબ્બીરભાઈ સાથે ફરિયાદીના દીકરા અનિસને બોલાચાલી થઈ હતી. આ બોલચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આરોપીઓ હનીફભાઈ મમુ દાઢી સહિતનાએ ફરિયાદી પક્ષના સભ્યો ઉપર રિવોલ્વર તથા લકડાના ધોકા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં આરોપીઓએ ગેરકાયદે હથિયારોમાંથી ફાયરિંગ કરીને ફરિયાદીના પુત્ર આદિલની હત્યા કરી નાખી હતી. તેમજ ફરિયાદી પક્ષના અન્ય વ્યક્તિઓને ગંભીર ઇજા કરી હતી.

- text

સામાપક્ષે ઈમ્તિયાઝ હનીફભાઈ કાસમાણીએ આરોપીઓ રફીકભાઈ રજાકભાઈ માંડલીયા, હનીફભાઈ રજાકભાઈ માંડલીયા, આદીલ રફીકભાઈ માંડલીયા, આશીફ રફીકભાઈ માંડલીયા, રઉફ રફીકભાઈ માંડલીયા, હનીફભાઈનો દીકરો તથા ચાર અજાણ્યા શખ્સોએ સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ શેરીમાં મોટર સાઈકલ સ્પીડમાં ચલાવતા હોય. જેથી, ફરિયાદીના પિતા આરોપીઓને મોટર સાઈકલ સ્પીડમાં નહિ ચલાવવા બાબતે સમજાવવા જતા ઉશ્કેરાયેલા આરોપીઓએ છરી, તલવાર, ધારિયા, લોખંડના પાઈપ જેવા હથિયાર ધારણ કરી ફરિયાદી ઈમ્તિયાઝ તથા સાહેદોને શરીરે આડેધડ માર મારી સાહેદ ઇમરાન સલીમ કાસમાણીની હત્યા કરી નાખી હતી. તેમજ ફરિયાદી તથા સાહેદો ઉપર ખૂની હુમલો કર્યો હતો. પોલીસ હાલ બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text