ખાટકીવાસમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત, FSLની ટીમે તપાસ શરૂ કરી

- text


20થી વધુના પોલીસ સ્ટાફ તૈનાત, એસપી અને ડીવાયએસપીનું રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ, પોલીસની સઘન સુરક્ષા વચ્ચે બન્ને મૃતકોની વારાફરતી અંતિમ યાત્રા નીકળશે

મોરબી : મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ગઈકાલે બાઈક પાર્ક કરવા મુદ્દે રફીક મેમણ અને મમુ દાઢી જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ અને ઘાતકી હથિયારોથી હુમલો થતા ડબલ મર્ડરની ઘટના બની હતી. આ બનાવને પગલે પોલીસે ખાટકીવાસમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાંમાંથી બન્ને મૃતકોની વારાફરતી અંતિમ યાત્રા નીકળશે. જ્યારે ફાયરિંગની ઘટના અંગે એફએસએલની ટીમે આ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે.

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલ રાજપૂત બારશાખ શેરીમાં રહેતા જૂથ વચ્ચે રવિવારે બપોરે ખૂની ખેલ ખેલાયા બાદ આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ છે. આ ઘટના બન્યા બાદ ગઈકાલથી આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ વિસ્તારમાં 20થી વધુના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત મૂકી દેવાયો છે.

આજે પણ આ વિસ્તારમાં ચોક પાસેની દુકાનો બંધ રાખવામાં આવી છે. જો કે આ બન્ને જૂથ એક જ શેરીમાં રહેતા હોવાથી આજે બન્ને મૃતકોના જનાજા નીકળતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંને મૃતકોના વારાફરતી જનાજા નીકળશે. આથી, પોલીસે પણ આ વિસ્તારમાં સુરક્ષાની ગતિવિધિ તેજ કરી દીધી છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત ઉપરાંત એસપી અને ડીવાયએસપી પણ સઘન પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. જ્યારે ફાયરિંગની ઘટનાનો સાચો તાગ મેળવવા માટે આજે એફએસએલની ટીમે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે.

- text

- text