મોરબી : ચિત્રા હનુમાનથી કેનાલ રોડ વચ્ચે ખુલ્લી ગટરથી ફેલાઇ રોગચાળાની ભીતિ

- text


ગોકળગાયની ગતિથી બંધ ગટર બનાવવાની ચાલતી કામગીરી સામે લોકોનો રોષ :

મોરબી : શહેરમાં કચરાના ગંજ અને ગટરો ઉભરાવવાની સમસ્યાનું કેમેય કરીને નિરાકરણ આવતું નથી. મોરબીવાસીઓની દરેક રજૂઆતો બહેરા કાને અથડાઈને પાછી ફરે છે. ચૂંટણી પણ આવીને જતી રહી. નેતૃત્વ પણ બદલાયું. નથી બદલાઈ તો ફક્ત મોરબીની માળખાગત સ્થિતિ. વિવિધ સમસ્યાઓની ભરમાર વચ્ચે શનાળા રોડ પર કાદવ-કીચડથી ઉભરાતી ખુલ્લી ગટર હવે સ્થાનિકો તેમજ રાહદારીઓ માટે મોટું ન્યુસન્સ બની ગયું છે.

શનાળા રોડ પર ચિત્રા હનુમાનથી લઈને લગભગ લગભગ કેનાલ રોડ સુધી કાદવ-કીચડ અને મળ વિસર્જિત ગંદકી ઉભરાઈ રહી છે. છેલ્લા 3-4 માસથી આ ખુલ્લી ગટર રાહદારીઓ તેમજ રઝળતા પશુઓ માટે ખૂબ જોખમી બની હોવા છતાં ગોકળગાયની ગતિથી આ ગટરનું સમારકામ ચાલી રહ્યું છે. બંધ ગટર બનાવવાની ધીમી કામગીરીને લઈને લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

- text

ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્રની ઘોર બેદરકારીને લઈને અહીં આજુબાજુમાં ખાણીપીણીની અનેક રેંકડીઓ ઉભી રહે છે. જ્યાં લોકો બેફિકર બનીને અલ્પાહાર કરવા આવતા જતા હોય ઉભરાતી ગંદકીને કારણે રોગચાળાનું જોખમ મંડરાઈ રહ્યું છે. ગટરનું કામ ખુબ જ ધીમી ગતિએ ચાલતું હોવાને કારણે રાહદારીઓ ફરજિયાતપણે મુખ્ય માર્ગ પર ચાલવા મજબૂર થવું પડતું હોય ક્યારેક ગંભીર અકસ્માતનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. ત્યારે તંત્રવાહકો આ માર્ગની અવદશાથી અવગત ન હોય એવું માનવું જરા વધુ પડતું છે. ધીમી ગતિથી ચાલતા કામને વેગ આપી સત્વરે આ કામ પૂરું થાય એવી લોકમાંગણી પ્રચંડ બની રહી છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ હોવાનો દાવો કરતા તંત્રવાહકોએ એ દાવાને પુરવાર કરવાનો સમય આવી ગયો છે.

- text