2થી વધુ પેસેન્જરો બેસાડવા મામલે રિક્ષાઓ ડિટેઇન કરાતા રીક્ષાચાલકો રોષે ભરાયા

- text


વધુ પેસેજરો બેસાડવા મામલે રીક્ષા ડિટેઇન કરવાની પોલીસની કાર્યવાહીના વિરોધમાં રીક્ષા ચાલકોએ રિક્ષાઓના પૈડાં થંભાવી દીધા

મોરબી : મોરબીમાં આજે કોરોનાની નવી ગાઈડલાઈન મુજબ વધુ પેસેજરો બેસાડવા મામલે પોલીસની ડિટેઇન કરવાની કાર્યવાહીના વિરોધમાં રિક્ષાચાલકોએ વીજળીક હડતાલ પાડી હતી. આ હડતાલમાં ગાંધીચોક, શનાળા રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારોના રીક્ષાચાલકોએ જોડાઈને પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. રિક્ષાચાલકોની અચાનક હડતાલથી લોકોને મુશ્કેલી પડી રહી છે.

દિવાળી પછી કોરોના કેસ વધતા રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે તકેદારીના ભાગરૂપે રીક્ષા સહિતના પેસેજર વાહનોમાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોને બેસાડવાનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે અને આ નિયમનો ભંગ કરનાર રીક્ષા સહિતના પેસેન્જર વાહનો સામે કાર્યવાહી કરવાના જિલ્લા કલેકટરે મોરબી પોલીસને આદેશો આપ્યા છે. તેથી, પોલીસે આ નિયમનો ભંગ કરતા રીક્ષા ચાલકો સામે તવાઈ ઉતારવાનું શરૂ કર્યું છે.

મોરબીમાં આજે સવારથી જ પોલીસે નિયમ કરતા વધુ પેસેજરો બેસાડનાર રિક્ષાચાલકોની રીક્ષા ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેની સામે રીક્ષાચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. રીક્ષાચાલકોનું કહેવું છે કે અમે ત્રણ પેસેન્જરો બેસાડી તો પણ પોલીસ રીક્ષા ડિટેઇન કરે છે. 10-10 રૂપિયામાં બે મુસાફરોને રિક્ષામાં બેસાડવા પોસાય તેમ નથી. આથી, પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં મોરબીના રિક્ષાચાલકો આજ સવારથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. જેમાં ગાંધીચોક, શનાળા રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારોના રીક્ષા ચાલકોએ જોડાઈને રિક્ષાની લાઈનો લગાવી દીધી છે.

- text

- text