મોરબી : નવેમ્બરમાં કોરોના બેકાબુ બન્યો, 458 નવા કેસ સાથે 36 દર્દીને ભરખી ગયો

- text


મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 162 કોરોના પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા

નવેમ્બરમાં 458 નવા કેસ સામે 387 દર્દી કોરોનામાંથી સાજા થયા, રિકવરી રેટ પણ ઘટ્યો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ તેજ ગતિએ જિલ્લાવાસીઓને પોતાનો શિકાર બનાવી રહ્યુ છે. ખાસ કરીને પેટા ચૂંટણી, ત્યારબાદ દિવાળી પર્વ અને હાલ લગ્ન સીઝનને કારણે લોકોની ભીડ વધતા કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ વધ્યું છે.

નવેમ્બર મહિનાની શરૂઆતમાં જોઈએ તો મહીનાના પ્રથમ દિવસે જિલ્લામાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 2225 હતા. જે પૈકી 1955 દર્દી સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે મહિનાના અંતે જે 30 નવેમ્બરે વધીને કોરોના કેસનો આંક 2683 પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ થનારા દર્દીઓનો આંક 2342 પર રહ્યો છે. આમ માત્ર એક મહિનામાં કુલ 458 નવા કેસ સતાવાર રીતે આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયા હતા.જેમાંથી 387 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.

આ ઉપરાંત, આરોગ્ય તંત્ર દ્વારા ચાલુ મહિનામાં જ જે રીતે મોતના આંકડા જાહેર કરવામાં આવ્યા, તે રીતસર લોકોની આંખમાં ધૂળ ફેંકવા જેવી વાત છે. કારણ કે મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્રના ચોપડે માત્ર 1 જ મોત જાહેર કરવામાં આવ્યું છે. જો કે ખરેખર તપાસ કરી તો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલ કુલ પોઝિટિવ કેસમાંથી એક્ટિવ કેસ, સ્વસ્થ થયેલા કેસ અને કોરોનાથી મોતની સંખ્યા સરખામણી કરતા 36 દર્દીઓ એવા છે. જેમની ક્યાંય નોંધ જ નથી. એટલે કે તે એક્ટિવ કેસ નથી, સાજા પણ થયા નથી કે સત્તાવાર મોત પણ થયા નથી. તો આવા 36 દર્દી ક્યાં છે તે એક સવાલ છે?

જો કે આ અંગે તપાસ કરતા નગરપાલિકા, સમાજસેવીઓ અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલ અંતિમ સંસ્કારની વિધિને આધારે આવા 36 દર્દીઓ સામે આવ્યા છે. જેમના અલગ-અલગ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોત થયા હોવા છતાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. અને જો આજ દિન સુધીના આવા મોતનો આંકડો ગણવામાં આવે તો તેની સંખ્યા 144 પર પહોંચી ચૂકી છે. જેના સારવાર દરમિયાન મોત થયા હોવા છતાં તંત્ર દ્વારા સ્ટેટ ડેથ ઓડિટ કમિટી પાસે પેન્ડિગનું બહાનું આગળ ધરી આ મોતની સતાવાર જાહેરાત કરી નથી.

- text

કોરોના પોઝિટિવ દર્દીનો રિકવરી રેટ પણ ઘટ્યો

મોરબી જિલ્લામાં આજદિન સુધીમાં થયેલા કોરોના પોઝિટિવ કેસ અને તેમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા આધારે રિકવરી રેટ જોઈએ તો તેમાં પણ ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજદિન સુધીમાં 2683 કોરોના સંક્રમિત થયા જેમાથી 2342 દર્દી સ્વસ્થ થયા એટલે કે 87.29 ટકા જેટલો રિકવરી રેટ થવા જઈ રહ્યો છે.

1 નવેમ્બરની સુધીની સ્થિતિ

ટેસ્ટ 87,495, પોઝિટિવ 2225, ડિસ્ચાર્જ 1955, કોવિડ મોત 17 (આરોગ્ય), નોન કોવિડ મોત 109

10 નવેમ્બર સુધીની સ્થિતિ

ટેસ્ટ 95,121, પોઝિટિવ 2351, ડિસ્ચાર્જ 2074, કોવિડ મોત 17 (આરોગ્ય), નોન કોવિડ મોત 115

20 નવેમ્બર સુધીની સ્થિતિ

ટેસ્ટ 1,03,300, પોઝિટિવ 2497, ડિસ્ચાર્જ 2203, કોવિડ મોત 17 (આરોગ્ય), નોન કોવિડ મોત 123

30 નવેમ્બર સુધીની સ્થિતિ

ટેસ્ટ 1,13,376, પોઝિટિવ 2683, ડિસ્ચાર્જ 2342, કોવિડ મોત 18 (આરોગ્ય), નોન કોવિડ મોત 144

સરકારી આંકડા કરતા વાસ્તવિક આંકડાઓ ખૂબ જ વધુ : હાલ ઘરે-ઘરે કોરોના જેવી સ્થિતિ

મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. જિલ્લામાં હાલ ઘરે ઘરે કોરોના હોય તેવી જમીની વાસ્તવિકતા છે. તેમ છતા સરકારી તંત્ર કાગળ પર બધું કંટ્રોલમાં અને કાબુમાં હોવાનું ચિત્ર રજુ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં સરકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાતા કોરોના કેસના આંકડા કરતા વાસ્તવિક કોરોના પોઝિટિવનો આંકડો ખૂબ જ વધારે છે. અને સરકારી તંત્ર છે હાલમાં દૈનિકના 20 કેસ આસપાસ બતાવી રહ્યું છે તેની જગ્યાએ મોરબી જિલ્લામાં રોજના 150 થી 200 કેસ નવા આવતા હોવાની પુરી શકયતા છે. ત્યારે લોકો બહાર નીકળે ત્યારે ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરે તે અત્યંત જરૂરી છે.

- text