“વિજય કૂચ” ચૂંટણી અભિયાન અંતર્ગત મોરબીના વિવિધ વિસ્તારોમાં પ્રચાર અભિયાન તેજ કરતા જ્યંતીભાઈ પટેલ

રઘુભાઈ દેસાઈ (ધારાસભ્ય રાધનપુર), લાખાભાઇ ભરવાડ (ધારાસભ્ય વીરમગામ), ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરાની હાજરીમાં માલધારી સમાજના આગેવાનો સાથે મીટીંગ યોજાઈ

મોરબી : પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલાં 65 મોરબી-માળીયા વિધાનસભા મતક્ષેત્રમાં કોંગ્રેસ પાર્ટી અને તેના ઉમેદવાર જ્યંતીભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન તેજ બનાવાયું છે. મંગળવારે કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ સાથે જ્યંતીભાઈ પટેલે વિવિધ વિસ્તારોમાં ફરી કોંગ્રેસને વિજયી બનાવવાની મતદારોને અપીલ કરી હતી.

જયંતીલાલ જેરાજભાઈ પટેલે “વિજય કૂચ ” ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમ્યાન ખેર સામભાઈ વાડી, લાતીપ્લોટ પાછળ આવેલા વિસ્તારો, તથા વિધુતનગર સહિત માળીયા (વનાળીયા સોસાયટી), સુપરમાર્કટ અને તેની પાછળસોસાયટીઓ સહિતના વિસ્તારોમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. આ તકે કોંગ્રેસના સ્થાનીય અગ્રણી નેતાઓ તથા કાર્યકરો સાથે જ્યંતીભાઈ પટેલે મતદારોને અપીલ કરી કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવવાનું આહવાન કર્યું હતું. વાયુવેગી પ્રચાર અભિયાન બાદ જ્યંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોઈ રહ્યો છું ત્યારે પુરા આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય નિશ્ચિત છે.

મંગળવારે કોંગ્રેસના અન્ય એક કાર્યક્રમમાં જયંતીલાલ પટેલ સમર્થનમાં ગ્રુપ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ મિટિંગમાં રઘુભાઈ દેસાઈ (ધારાસભ્ય રાધનપુર), લાખાભાઇ ભરવાડ (ધારાસભ્ય વીરમગામ), ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, માલધારી સમાજના અનેક આગેવાનો તેમજ સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિ રૂપિયા માટે વેચાઈ જતો હોય એ વ્યક્તિ ક્યારેય સમાજનું ભલું ન કરી શકે. આમ કહી જ્યંતીભાઈએ બ્રિજેશ મેરજાની વફાદારી અંગે સવાલો ઉઠાવ્યા હતા. આઝાદી બાદ કોંગ્રેસના આટલા વર્ષોના શાસનમાં કોંગ્રેસ સાચા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી રહી છે એમ જણાવી જ્યંતીલાલે ઉમેર્યું હતું જે, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને આસામથી લઈને કોહીમા સુધી ભારતને એક તાંતણે બાંધી રાખવાનું કામ કોંગ્રેસે કર્યું છે. ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા કોંગી ઉમેદવારે જણાવ્યું હતું કે ભાજપ તોડવાની વિચારધારા ધરાવતો પક્ષ છે જ્યારે કોંગ્રેસ જોડવાની વિચારધારાને વરેલો પક્ષ છે. મતદારોનો ભરોસો તોડી રુપિયા માટે પાર્ટી બદલનાર મેરજા ભરોસાપાત્ર વ્યક્તિ નથી એમ જ્યંતીભાઈ પટેલે નામજોગ આક્ષેપ કર્યો હતો.

આ તકે બહોળી સંખ્યામાં ઉઓસ્થિત માલધારી સમાજના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. માલધારી સમાજના આગેવાનોએ હારતોરા કરી જયન્ટિભાઈનું સન્માન કર્યું હતું ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ જયંતીલાલને જંગી બહુમતીથી વિજયી બનાવવા સંકલ્પ લીધા હતા. સમાજના અગ્રણીઓએ આ તકે જણાવ્યું હતું કે મોરબી- માળીયા વિસ્તારનો સમગ્ર માલધારી સમાજ તેમની સાથે છે અને જ્યંતીલાલને જંગી લીડથી જીતાડવા માટે પ્રયત્નશીલ છે.