ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે શાક બકલાની લારી કાઢી મોંઘવારી સામે વિરોધ દર્શાવ્યો

કોંગી ઉમેદવાર જ્યંતીભાઇ પટેલના ચૂંટણી પ્રચારમાં સમર્થન માટે ભાજપનો વિરોધ કરવાનો નવતર અભિગમ અપનાવતા કોંગ્રેસ કાર્યકરો

મોરબી : મોરબીની પેટા ચૂંટણીમાં હવે પ્રચારયુદ્ધ ચરમસીમા તરફ જઈ રહ્યું છે ત્યારે મતદારોને રીઝવવા બન્ને પક્ષો કોઈ કસર છોડવા માંગતા નથી. બન્ને રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે અવનવા નુસખા કરતા જોવા મળી રહ્યા છે. જેમાં મંગળવારે કોંગ્રેસના કાર્યકરોએ શાકભાજીની લારી કાઢી હતી મતદારોને પ્રતીકાત્મકરૂપે મોંઘવારીનો અહેસાસ કરાવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઈ પટેલને સમર્થન આપવાની અપીલ કરી હતી.

મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ચિરાગ કાલરીયા સહિતના કોંગ્રેસના કાર્યકરોએ શાક બકલાની લારી કાઢી હતી. કોંગ્રેસના કાર્યકરોએ શાક બકલાની લારી ઘરેઘરે ફેરવીને ભાજપના શાસનમાં મોંઘવારી કેટલી હદે વધી ગઈ છે એ દર્શાવવાનો તથા મંદીથી વાકેફ કરીને મતદારોને પોતાના પક્ષના ઉમેદવાર જ્યંતીભાઈ પટેલ તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અતિવૃષ્ટિને લઈને બટાટા, ડુંગળી સહિત તમામ શાકભાજીના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે જ આવી પડેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આ સ્થિતિને લઈને ભાજપનો વિરોધ કરી કોંગ્રેસને સમર્થન અપાવવા માટે શાક બકાલાની લારી દ્વારા લોકોનું ધ્યાન આકર્ષી રહી છે.