મોદી અને રૂપાણીના હાથ વધુ મજબૂત કરવા બ્રિજેશ મેરજાને મત આપજો : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

- text


મહેન્દ્રનગરની સભામાં માંડવીયાએ ભાજપના વિકાસ કાર્યો અંગે સવિસ્તાર વાત કરી

“મંજિલ વહી હે, કામ વહી હે, બદલા હે તો મૈને સિર્ફ રાસ્તા” : મહેન્દ્રનગરની સભામાં મેરજાનો શાયરના અંદાજ

મોરબી: મોરબી માળીયા બેઠક માટે આગામી 3 સપ્ટેબરના રોજ મતદાન થવા જઈ રહ્યુ છે. ત્યારે બન્ને મુખ્ય પક્ષો હાલ પોતાના ઉમેદવારના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બન્ને પક્ષો ચૂંટણીસભા યોજી પોતાના ઉમેદવારને જીતાડવા સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આજે મોરબીના મહેન્દ્રનગર ગામમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં સભા ગજવી હતી.

આ સભા દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, આ સામાન્ય ચૂંટણી નથી પણ બ્રિજેશભાઈએ ભાજપના સમર્થન માટે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે તેમને જીતાડવા એ આપણી જવાબદારી બને છે. કેન્દ્ર સરકારની જવાબદારી અને ફરજો તેમજ જરૂરિયાતના સંદર્ભે માંડવિયાએ ઉપસ્થિત જન સમુદાયને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાડોશી દેશોમાં જેમની સામે લાલ આંખ કરવાની છે તેની સામે લાલ આંખ કરે છે. એર સ્ટ્રાઈક કરવાની હોય ત્યાં એ કરે છે. જે દેશ સાથે સબંધ સુદ્રદ્ધ બનાવવાની જરૂરિયાત હોય તેની સાથે રાખે છે. આમ કહીને કેન્દ્રીય મંત્રીએ રાજ્યસભા માટે મેરજાની જીત કેટલી મહત્વની છે એ વિશે વિસ્તારથી લોકોને સમજ આપી હતી.

કોંગ્રેસ પર આક્ષેપો કરતા મનસુખભાઇએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ વાયદાનો વેપાર કરે છે. ભાજપનું કામ વાયદાઓના અમલીકરણનું છે. 1971ની સાલમાં કોંગ્રેસે ગરીબી હટાવવાનો આપેલો નારો 2012 સુધી ચાલુ રાખ્યો હતો એમ જણાવી માંડવીયાએ શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે પ્રચારનો એક પણ મુદો બચ્યો નથી એટલે લોકોને ગેરમાર્ગે દોરવા કુપ્રચાર કરે છે. સી.એ.એ., કલમ 370, કૃષિબીલ, રામમંદિર સહિતના મુદે કોંગ્રેસ જુઠાણું જ ચલાવતા હોવાનું જણાવી લોકોને ભ્રમિત ન થઈ ભાજપને મત આપી મેરજાને વિજયી બનાવવા અપીલ કરી હતી. કોરોના કાળના સરકારે 120 દેશને જરૂરી દવા આપી જેનાથી ભારતની છબી સારી થઇ હોવાનો ઉલ્લેખ કરી મનસુખભાઇએ જણાવ્યું હતું કે, વિદેશના લોકો ભારતને સારી દ્રષ્ટિ જુએ છે. ભારત સરકારની વિદેશ નીતિને કારણે મોરબીના સીરામીક, જામનગરના બ્રાસ ઉદ્યોગમાં તેજી આવી છે.

મહેન્દ્રનગરની સભામાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનો શાયરના અંદાજ સામે આવ્યો હતો. તેઓએ પોતાના વક્તવ્ય દરમ્યાન કહ્યું હતું કે, “મંજિલ વહી હે, કામ વહી હે, બદલા હે તો મૈને સિર્ફ રાસ્તા”. આમ કહીને મોરબીના વિકાસ માટે મેરજાએ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સભા દરમિયાન પૂર્વ ધારાસભ્ય કાંતિ લાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ભાજપ એ કાર્યકરોની પાર્ટી છે. ભાજપ શિસ્તની પાર્ટી છે જેથી ભાજપને મત આપી નરેન્દ્રભાઈ અને વિજય રૂપનીના હાથ મજબૂત કરવા કમળનું બટન દબાવવા અપીલ કરી હતી. તો બ્રિજેશભાઈ મેરજાએ પણ ભાજપ સરકારની યોજના અને વિકાસના કામ મોરબી સુધી લાવવાનો વિશ્વાસ અપાવી લોકોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી.

- text

આ સભા ઉપરાંત શનિવારે દિવસ દરમ્યાન શનાળા, રંગપર, કેશવનગર, જીવાપર, ઝીકિયારી, ચકમપર, અણીયારી, રાપર, શાપર, જશમતગઢ સહિતના ગામોની કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓએ ચૂંટણીની પ્રચારલક્ષી મુલાકાત લીધી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે મોરબી ભાજપના આગેવાનો પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કે.એસ. અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, વેલજીભાઈ પટેલ, વેલજીભાઈ બોસ, ડી.કે. સખીયા, અજય લોરીયા, હિરેન પારેખ સહિતના તાલુકાના આગેવાનો, જિલ્લાના આગેવાનો , મંડળ પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલા જન પ્રતિનિધિઓ, હોદેદારો, સ્થાનિક મંડલના આગેવાનો તેમજ શક્તિકેન્દ્રના ઇન્ચાર્જો, કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા.

- text