કોંગ્રેસ સભા : વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પંચાસર રોડ અને મહેન્દ્રનગરમાં સભા ગજવી

કોરોનાકાળમાં ભાજપના રાજમાં ભગવાન મંદિરોમાં બંધ છે અને જેલના ગુંડાઓને છુટ્ટા મૂકી દીધા છે : પરેશ ધાનાણી

મોરબી : ગુજરાત વિધાનસભા ગૃહમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે મોરબી શહેર મહેન્દ્રનગરમાં કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીલાલ પટેલ માટે ચૂંટણી સભા ગજવી હતી. આ તકે તેઓએ ભાજપ પર આકરા પ્રહારો અને ચોંકાવનારા આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.

મહેન્દ્રનગર અને પંચાસર ચોકડી પાસે ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધનાણીએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરા, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામભાઈ સાગઠિયા, કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મહેન્દ્રનગરની સભામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, રાજકારણમાં લડવા માટે આપણા પ્રયત્નો શ્રેષ્ઠ હોવા જરૂરી છે. વડાપ્રધાન મોદીને સોદાગર જણાવી શાબ્દિક પ્રહાર કરતા રાજ્યગુરુએ જણાવ્યું હતું કે મોદી સોદેબાજ છે જે સતત સોદા જ કરતા રહે છે. લોકોથી પક્ષ હોય છે પક્ષથી લોકો નથી હોતા. કોંગ્રેસે 98 ટકા નાગરિકોને વીજળી પહોંચાડી છે જ્યારે માત્ર 2 ટકા લોકો સુધી વીજળી પહોંચાડી ભાજપ જશ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાચો માણસ હારે ત્યારે આખો સમાજ હારતો હોય છે એમ કહી ઇન્દ્રનીલે જ્યંતીલાલ પટેલને ભ્રષ્ટાચાર મુક્ત વ્યક્તિ ગણાવ્યા હતા. ક્યારેક કોંગ્રેસમાં કોઈ ખરાબ વ્યક્તિ આવી જાય છે પણ કોંગ્રેસની વિચારધારા ક્યારેય નબળી નથી રહી. આમ કહી રાજ્યગુરુએ જયંતિલાલની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવી હતી અને જંગી લીડથી તેઓને જીતાડવા માટે ઉપસ્થિત જનસમુહને આહવાન કર્યું હતું.

જ્યારે લલિત કગથરાએ બ્રિજેશ મેરજા અને ભાજપ પર પ્રહારો કર્યા હતા. બ્રિજેશ મેરજાના ભાજપ પ્રવેશ પાછળ ભાજપના એક જૂથ દ્વારા કાંતિલાલ અમૃતિયાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું કાવતરું હોવાનો ચોકવનારો આરોપ લગાવ્યો હતો. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઈ પટેલે ગદાર વિરુદ્ધ વફાદારની લડાઈમાં તેમને તક આપવાની અપીલ કરી મોરબી બેઠકના દરેક મતદારોની પડખે ઉભા રહેવાનું વચન આપ્યું હતું. જ્યારે સભાના મુખ્ય વક્તા પરેશ ધાનાનીએ સભામાં જણાવ્યું હતું કે, ગુજરાતના 18 હજાર ગામડાઓમાં હું ધ્યાન આપી રહ્યો છું. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષના ભાજપના શાસનની નબળાઈઓ અને ખેડૂત વિરોધી નીતિઓ ઉજાગર થઈ છે અને વિકાસદર 23 ટકા જેટલો ઘટ્યો છે. બેરોજગારીનો દર વધ્યો છે. ભ્રષ્ટચાર અને અત્યાચાર ભાજપ માટે એક શિષ્ટાચાર બની ગયો છે એમ જણાવતા ધાનાણીએ વધુમાં આક્ષેપો કર્યા હતા કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને ભાજપે એક વેપાર બનાવી દીધો છે. કોરોનાકાળમાં ભગવાનને મંદિરોમાં કેદ કર્યા છે અને કેદમાં રહેલા ગુંડાઓને ચૂંટણી લડવા માટે છુટ્ટા મૂકી દીધા છે. ભાજપના રાજમાં ડ્રગમાફિયા, ફી માફિયાઓ અને ગુંડાઓ બેફામ બન્યા છે એમ જણાવી ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે ગાંધીનગરના કમલમના દ્વારેથી જ આ તમામ પ્રવૃતિઓનું સંચાલન થઈ રહ્યું છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મીડિયા મુલાકાતમાં તેજાબી ખુલાસો કરતા કહ્યું હતું કે, એક મંત્રી મોરબીના સીરામીક ઉધોગકારો પાસે આવીને ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે તેઓને ધમકાવે છે. ધાનાણીએ ઉધોગકારોને ખાત્રી આપી હતી કે કોંગ્રેસના ઉમ્મદવારને વિજયી બનાવો કોઈ તમારી હેરાનગતિ કરે તો અમને ખુલ્લામને જણાવો. જીએસટીને લઈને કે 400 કરોડ રૂપિયાની કોલગેસ અંગેની નોટિસોનો ઉલ્લેખ કરી ધનાણીએ ભાજપની આ અન્યાયકારી નીતિનો જડબાતોડ જવાબ આપવા ઉધોગકારોને કોંગ્રેસને સમર્થન આપવાની અપીલ કરી હતી. માત્ર આ પેટા ચૂંટણીમાં જ નહીં પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને વિજયી બનાવવાની અપીલ કરતા પરેશ ધાનાણીએ અંતમાં કહ્યું હતું કે કોંગ્રેસની નીતિ હંમેશા ઉધોગકારોના સહયોગથી દેશ વિકાસની રહી છે.