મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ

- text


 

રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ખોટો વીડિયો બનાવી રૂ. 2 લાખની માંગણી કરતા હોય, માંગણી ન સ્વીકારતા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ધમકી આપ્યાની ગ્રામ પંચાયતના સભ્યની રાવ

વાંકાનેર : મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેરની પંચાસિયા ગ્રામ પંચાયતના સભ્યએ આ ફરિયાદ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે આપના ઉપાધ્યક્ષે રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ખોટો વીડિયો બનાવી રૂ. 2 લાખની માંગણી કરી હતી. જે ન સ્વીકારતા તેઓએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા દિલીપભાઈ મોહનભાઈ ચાવડા (ઉ.વ. 32)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પંચાસીયા ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૧૦ના સદસ્ય હોય જેથી આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ તોફીક અમરેલીયા દ્વારા તેમના ગામમાં બનેલ સી.સી.રોડ માં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે વીડિયો ઉતારી બાદમાં જીલ્લા વિકાસ અધિકારીને અરજી કરેલ હતી. જે બાબતે ગઈકાલે ફરિયાદી સાંજે પોતાના કામથી પરત ફરતા હોય દરમ્યાન રસ્તામાં તોફીક અમરેલીયા દ્વારા તેમને રોકી ‘તમારા ગામમાં રોડના ભ્રષ્ટાચાર વિશે મે અરજી કરેલ છે, જો સમાધાન કરવું હોય તો તારે અને તારા ગામના સરપંચે મને બે લાખ રૂપિયા આપવા પડશે, તો હું અરજી પાછી ખેંચી લઈશ અને સમાધાન કરી લઈશ’ તેવુ કહ્યું હતું.

- text

જેના પ્રત્યુતરમાં ફરિયાદીએ જણાવ્યું કે ‘આ કામમાં કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી, તો તને શા કારણે પૈસા આપીએ ?’. બાદમાં તોફિક અમરેલીયાએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી, ‘ હું આમ આદમી પાર્ટીનો ઉપાધ્યક્ષ છું, તને જોઈ લઈશ. જોવ છું તું પૈસા કેમ નથી આપતો. ‘ તેવી ધમકી આપી તેમને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.

આ બાબતે ફરિયાદી દ્વારા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 384, 504, 506(2) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ એક્ટ 3(1)(r), 3(1)(s), 3(2)(va) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં આગળની તપાસ મોરબી જિલ્લા એ.ટી.એસ. ડીવાયએસપી પઠાણ ચલાવી રહ્યા છે.

- text