ઈલેક્શન અપડેટ : મોરબી અને માળિયામાં 1395 વાંધાજનક રાજકીય પ્રચાર સાહિત્ય દૂર કરાયું

- text


પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાની અમલવારી : જાહેર સ્થળોએ 1217 અને ખાનગી જગ્યાએ 178 પોસ્ટર, હોર્ડિંગ્સ અને લખાણો હટાવી દેવાયા

મોરબી : મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. એ સાથે જ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જ્યારે મતદારોને આકર્ષવા માટે વિવિધ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ, બેનરો, દીવાલો પર લખાણો મુકવામાં આવ્યા હતા. જો કે આ ચૂંટણી પ્રચાર સાહિત્યથી આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ચૂંટણી પ્રચાર સાહિત્ય હટાવી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં મોરબી અને માળિયામાં 1395 વાંધાજનક રાજકીય પ્રચાર સાહિત્ય દૂર કરાયું છે.

મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આચારસંહિતાની અમલવારી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને મતદારોને પ્રભાવિત કરવા માટે જુદા-જુદા રાજકીય પક્ષો દ્વારા જાહેર સ્થળો અને ખાનગી મિલકત ઉપર હોર્ડિંગ્સ, પોસ્ટર અને દીવાલ પર લાખણો સહિતનું સાહિત્ય લગાવવામાં આવ્યું હતું. મતદારોને પ્રભાવિત કરનાર આ ચૂંટણી પ્રચાર સાહિત્યથી આચારસંહિતાનો ભંગ થતો હોવાથી આ વાંધાજનક ચૂંટણી પ્રચાર સાહિત્ય હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જાહેર સ્થળો પર 73 વોલ રાઇટિંગ, 342 પોસ્ટર, 122 બેનર અને અન્ય 680 મળીને કુલ 1217 અને ખાનગી જગ્યાએ 8 વોલ રાઇટિંગ, 75 પોસ્ટર, 35 બેનર અને અન્ય 60 મળીને 178 જેટલા વાંધાજનક સાહિત્ય હટાવવામાં આવ્યા છે.

- text

જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં રાજકીય પોસ્ટરો યથાવત

મોરબી પેટા ચૂંટણી સંદર્ભે તંત્ર દ્વારા આચારસાહિતાનો કડક અમલ કરતો હોવાનો દાવો કરાયો છે અને વાંધાજનક રાજકીય સાહિત્ય હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ ખુદ સરકારી કચેરીમાં જ આચારસાહિતાનો ભંગ થતો હોવાનું સામે આવ્યું છે. જેમાં જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા સાથેના બેનરો હજુ યથાવત છે. આચારસંહિતા મુજબ કોઈપણ રાજકીય પક્ષના ફોટાના બેનરો કચેરીમાં રાખી શકાતા નથી. જો કે તંત્રએ ખાનગી અને જાહેર સ્થળોએ આવા બેનરો દૂર કર્યા છે. પણ ખુદ સરકારી કચેરીમાં આ બનેરો હજુ સુધી હટાવાયા નથી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text