મોરબી જિલ્લામાં ભારે વરસાદના લીધે પાકોમાં વ્યાપક નુકશાની, સર્વે માટે 13 ટીમોની રચના કરાઈ

- text


તલના પાકને સૌથી વધુ નુકસાન : મગફળી, કપાસ, અજમો, મગ સહિતના પાકોને પણ અસર

મોરબી : મોરબી જિલ્લામાં તાજેતરમાં બે દિવસ સુધી ભારે વરસાદ પડ્યો હતો. જેમાં ખેતીને વ્યાપક નુકશાની થયાનો અંદાજ છે. જૂન માસમાં જ મોટાભાગના ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું હતું. તેથી, ખેતરોમાં પાક લહેરાતો હતો. તેમ મેઘરાજા કહેર બનીને તૂટી પડતા મોટાભાગના ખેતરોનું ધોવાણ થતા પકનો સોથ વળી ગયો છે અને ખેતરોમાં મોટી તારાજી થયાની ખેડૂતોમાં ફરિયાદ ઉઠી હતી. જેના પગલે ખેતરોમાં પાકની નુકશાની માટે ખેતીવાડી વિભાગ દ્વારા 13 ટીમોની રચના કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ અતિવૃષ્ટિ જેવી નોબત આવી છે. મેધપ્રકોપના કારણે મોરબી જિલ્લાના મોટા ભાગના વિવિધ પાકોથી લહેરાતા ખેતરોમાં મોટી તારાજી થઈ છે. બે દિવસ સુધી પડેલા ભારે વરસાદને કારણે મોટાભાગના ખેતરોનું ધોવાણ થયું છે અને ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. આથી, મોટા પ્રમાણમાં પાકોને નુકશાની થયાનો અંદાજ છે.

જો કે સૌથી વધુ તલના પાકને નુકશાની થઈ છે. આ ઉપરાંત, મગફળી, કપાસ, અજમો, મગ સહિતના પાકોને પણ અસર થઈ છે. ત્યારે મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે પાકોને થયેલી નુકસાનીનો સાચો ક્યાસ કાઢવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મોરબી તાલુકા માટે 3 ટીમો, માળીયા માટે 2 ટીમ, ટંકારા માટે 2 ટીમ, વાંકાનેર માટે 3 ટીમ અને હળવદ માટે 3 ટીમ મળીને કુલ 13 જેટલી ટીમો બનાવવામાં આવી છે.

- text

જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌધરી જણાવ્યું હતું કે હજુ ખેતરોમાં અને ખેતરોને જોડતા રસ્તાઓમાં પાણી ભરાયેલા હોય ખેતરોમાં જઈ શકાય એમ નથી. ખેતરોમાં પાણી ઉતરી જાય પછી આ ટીમો દ્વારા ખેતીને નુકશાની અંગે સઘન સર્વે હાથ ધરવામાં આવશે.

- text