મોરબી જિલ્લાની ચાર પાલિકાઓને માળખાકીય સુવિધાઓ માટે રૂ. 11 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

- text


ચાર વર્ષેથી ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહેતી હોવા છતાં ફરી મોરબી પાલિકાને 5 કરોડ ફાળવાયા
મંત્રી સોરભભાઈ પટેલે આ ગ્રાન્ટને લોકોના કામો માટે યોગ્ય ઉપયોગ કરવાની મોરબી પાલિકાને તાકીદ કરી

મોરબી : ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા દર વર્ષે રાજ્યની દરેક નગરપાલિકાઓને લોકોના વિકાસ કામો કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાની ચાર પાલિકાઓને માળખાકીય સુવિધાઓ માટે રૂ. 11 કરોડની ગ્રાન્ટ ફળવાઈ છે. જેમાં મોરબી પાલિકાને રૂ. 5 કરોડ, હળવદ નગરપાલિકાને રૂ. 2.50 કરોડ, વાંકાનેર પાલિકાને અઢી કરોડ અને માળીયા પાલિકાને રૂ. 1 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.

મોરબીની કલેકટર કચેરી ખાતે ગઈકાલે મંત્રી સોરભભાઈ પટેલ અને સ્વર્ણિમા 20 મુદા અમલીકરણના અધ્યક્ષ આઈ. કે. જાડેજાના હસ્તે મોરબી જિલ્લાની ચારેય નગરપાલિકાને ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, પ્રમુખ કેતન વિલપરા, હળવદના ચીફ ઓફિસર સાગર રાડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જો કે મોરબીમાં છેલ્લા ચાર વર્ષથી ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહેલ છે. સરકાર આ ગ્રાન્ટ નગરપાલિકાઓને એટલા માટે ફાળવે છે કે શહેરના વિકાસ કામો કરી શકાય અને લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. પણ મોરબી પાલિકા તંત્ર આ ગ્રાન્ટનો ઉપયોગ જ કરતું નથી. જેમાં વર્ષ 2017-18માં આ ગ્રાન્ટમાંથી ક્યાં કામો કરવા તે અંગેની દરખાસ્ત જ હજુ સુધી પેન્ડિગ છે.

ઉપરાંત, 2018-19 અને 2019-20ની ગ્રાન્ટના કામો જ નક્કી થયા નથી. હાલ ચાલુ વર્ષ 2020-21ની ગ્રાન્ટ અપાઈ છે. તેના કામો હવે નક્કી થશે. આ ગ્રાન્ટ વણ વપરાયેલી રહેતી હોવાથી સોરભ પટેલ અને આઈ. કે. જાડેજા મોરબી પાલિકાને ટકોર કરી હતી કે આ ગ્રાન્ટનો સદુપયોગ કરવા માટે વ્યવસ્થિત આયોજન કરી લોકોના કામ માટે વાપરવાની તાકીદ કરી હતી. સરકાર તો ગ્રાન્ટ પુરી ફાળવે છે પણ તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. તેથી, મંત્રીની આ તાકીદની પાલિકા તંત્ર પર કેવી અસર થશે તે જોવાનું રહ્યું.

- text

- text