વાંકાનેર : કડીયાવાડના એક જ પરિવારના 4 સભ્યો કોરોના મુક્ત થતા રજા અપાઈ

વાંકાનેર : શહેરના કડીયાવાડ વિસ્તારની રૂગનાથ શેરીમાં એક જ પરિવારના 4 લોકો પાછલા દિવસોમાં કોરોના સંક્રમિત થતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે આજે સવારે એ તમામ લોકો કોરોના મુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાતા તંત્ર સહીત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગત 28 જૂનના રોજ વાંકાનેરના પોસ્ટઓફિસ નજીક આવેલા ક્ડીયાવાડની રૂગનાથ શેરીમાં રહેતા 40 વર્ષીય દેવેન્દ્રભાઈ મગનભાઈ પરમાર, તેમના પત્નિ 35 વર્ષીય આશાબેન અને તેમની બન્ને પુત્રીઓ 14 વર્ષીય અપેક્ષા તથા 7 વર્ષીય માહી કોરોના સંક્રમિત થયા હતા. એક જ પરિવારના ચાર સભ્યો કોરોના સંક્રમિત થતા વાંકાનેરમાં હડકંપ મચી ગયો હતો. જો કે રાહતની વાત છે કે આજે સવારે એક જ પરિવારના તમામ ચારેય સભ્યો કોરોના મુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્રભાઈ લુહાર શેરીની સામે એંન. કુમાર ટેઈલર નામે દરજીની દુકાન ધરાવે છે. પરિવારના ચારેય સભ્યો કોરોના મુક્ત થતા વાંકાનેરવાસીઓએ હાશકારો અનુભવ્યો છે.