ટંકારા : સબરજીસ્ટાર કચેરીનો ટેલિફોન વાયર કપાતા દસ્તાવેજની કામગીરી બંધ‌

મોરબી રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ‌

ટંકારા : ટંકારા મામલતદાર કચેરીમાં સવલત પૂરી પાડતો ટેલિફોન કેબલ ફોર ટ્રેક રોડની કામગીરીને લીધે ગઇકાલે તા. 2 ને ગુરુવારે સવારે કપાઈ જતા ટંકારા મામલતદાર, સબ રજીસ્ટાર, ઈ-ધરા, પુરવઠા વગેરે કચેરીમાં જીસ્વાન બંધ થયેલ હતો. જે સાંજ સુધી રિપેર ન થતા દસ્તાવેજ રજીસ્ટ્રેશન સહિતની કામગીરી બંધ થઈ ગઈ હતી. આથી, ગઇકાલે ટોકન લઈને ૧૫ જેટલા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. જેમા વકીલો અને સહી-સાક્ષી કરવા આવેલ આશરે ૧૦૦ જેટલા લોકોએ સાંજ સુધી રાહ જોયા બાદ ધર્મનો ધક્કો થતા તેમના સમય શેડ્યુલ ખોરવાઈ ગયેલ હતા.

આ અગાઉ પણ ટંકારા કચેરીનો ટેલિફોન કેબલ કપાઈ જતા બે-ત્રણ દિવસ સુધી દસ્તાવે‌જોનું કાર્ય અટકતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વારંવાર ઉભી થતી સમસ્યાને દૂર કરવા માટે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા મોરબી રેવન્યુ બાર એસોશીએશનના પ્રમુખ સંજયભાઈ રાજપરા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.