મોરબી અપડેટ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી ખાસ વાતચીત..જાણો શું કહ્યું મોરબી વિશે

 

  • ‘મોરબી અપડેટ’ના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબી જિલ્લાના લોકોને પાઠવ્યો લાઈવ સંદેશો : કોરોનામુક્ત બનવા બદલ સમગ્ર જિલ્લાવાસીઓને પાઠવી ખાસ શુભેચ્છા

  • કોરોનાની મહામારી ઉપર નિયંત્રણ લાવ્યા બાદ વેપાર-ઉદ્યોગોને પુનઃધમધમતા કરવા સરકાર મદદરૂપ થશે : મુખ્યમંત્રી

કોરોનાથી ડરવાની જરૂર નથી, 90 ટકા દર્દીઓ રિકવર થયા છે : મૃત્યુ પામનારમાં 85 ટકા દર્દીઓ ગંભીર રોગ ધરાવતા હતા માટે ગંભીર રોગ ધરાવતા લોકોએ સેલ્ફ ક્વોરોન્ટાઇન થવું જોઈએ, એક દર્દી 400 લોકોને ચેપ લગાવી શકે છે માટે સજાગ રહેવું પણ ખૂબ જરૂરી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મોરબી : ‘મોરબી અપડેટ’ના માધ્યમથી આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબીવાસીઓને ખાસ સંદેશો પાઠવ્યો હતો. અને મોરબી જિલ્લાને કોરોનામુક્ત બનવા બદલ હર્ષભેર અભિનંદન પણ પાઠવ્યા હતા. સાથે તેઓએ ભાજપ અગ્રણી તેમજ પછાત વર્ગ નિગમના વાયસ ચેરમેન પ્રદીપભાઈ વાળા, સિરામિક ઉદ્યોગના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, ક્લોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગી અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી સાથે ખાસ વાતચીત પણ કરી હતી.

‘મોરબી અપડેટ’ના ફાઉન્ડર દિલીપભાઈ બરાસરા દ્વારા હાલની લોકડાઉનની સ્થિતિમાં લોકોને માર્ગદર્શન અને વિશેષ માહિતીઓ મળતી રહે તે માટે જાહેર ક્ષેત્રના આગેવાનો, મોટીવેશનલ સ્પીકરો તેમજ અધિકારીઓ સાથે લાઈવ સંવાદના કાર્યક્રમ ગોઠવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે લાઈવ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે મોરબીના લોકો સાથે આજે વાત કરવાનો મોકો મળ્યો તેનો આનંદ છે. મોરબી જિલ્લાના એક માત્ર કોરોનાના દર્દી પણ સાજા થઈ ગયા છે અને મોરબી જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. તે બદલ મોરબી જિલ્લાને અભિનંદન પાઠવું છું.

મુખ્યમંત્રી વિજયભાઈએ વધુમાં કહ્યું કે મોરબી સિરામિક અને ઘડિયાળ સહિતના સેલ્ફ ડેવલપ થયેલા ઉદ્યોગોથી આજે વિશ્વવિખ્યાત બન્યું છે. મચ્છુ જળ હોનારત, પુર હોનારત જેવી કપરી સ્થિતિમાંથી બહાર આવીને મોરબી ફિનિક્સ પક્ષીની જેમ પોતાના ખમીર અને સાહસના કારણે ફરી બેઠું થયું છે. આજે મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઇનાને ટક્કર મારી રહ્યો છે. મોરબીથી પણ ચાઇના માલ એક્સપોર્ટ થવા લાગ્યો છે એવી રીતે મોરબી સતત આગળ વધી રહ્યું છે.

તેઓએ ઉમેર્યું કે મારા અને મોરબીના જુના સંબંધો છે. જળ હોનારત વખતે હું ત્રણ મહિના મોરબી રાહત કામમાં રોકાયો હતો. જે રાહત કામનું મારુ પ્રથમ પગથિયું હતું. વધુમાં સૌરાષ્ટ્રના સંગઠનમાં કામ કરવા મળ્યું ત્યારે મોરબી રાજકોટ જિલ્લામાં આવતું હતું એટલે અહીંના લોકો સાથે જુના સંબંધો છે. તેઓએ કોરોના વિશે મોરબીવાસીઓને સંબોધતા જણાવ્યું કે કોરોના વૈશ્વિક મહામારી છે. તે એક એવો રોગ છે જેની રસી હજુ શોધાઈ નથી. જેથી સોશિયલ ડિસ્ટન્સ પાળવું, માસ્ક પહેરવું, જરૂર પૂરતું જ બહાર નીકળવું અને સંક્રમણને પસાર થઈ જવા દેવું તે સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી.

મોરબી જિલ્લામાં એક કેસ નોંધાયો છે. તે પણ રિકવર થઈ ગયો છે. હવે બીજો એક પણ કેસ ન નોંધાય અને આખો જિલ્લો કોરોના મુક્ત જ રહે તેવી શુભકામનાઓ પાઠવું છું. લોકોએ અફવાઓથી દૂર રહેવું અને કોરોનાથી ડરવાની જરૂર નથી. 90 ટકા કોરોનાગ્રસ્ત દર્દીઓ રિકવર થયા છે. મૃત્યુનું પ્રમાણ પણ 3થી 4 ટકા છે. પરંતુ એક વ્યક્તિ 400 જેટલા લોકોને ચેપ લગાવી શકે છે માટે સજાગ રહેવું ખૂબ જરૂરી છે. કોરોના વાયરસ ગંભીર રોગ હોય તેવા દર્દીઓને વધુ નુકશાન કરે છે. કોરોનાથી થતા મૃત્યુમાં 85 ટકા દર્દીઓ ગંભીર રોગ ધરાવતા હોય છે. ગંભીર રોગથી પીડાતા લોકોએ સેલ્ફ ક્વોરોન્ટાઇન થવું જોઈએ. જેથી તેઓ અને તેઓનો પરિવાર સુરક્ષિત રહી શકે.

ભાજપ અગ્રણી તથા પછાત વર્ગ નિગમના વાયસ ચેરમેન પ્રદીપભાઈ વાળાએ આ લાઈવ સંવાદ વેળાએ મુખ્યમંત્રી વિશે જણાવ્યું કે હાલ કોરોનાની મહામારીમાંથી ગુજરાતને ઉગારવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રોજ 20 કલાક મહેનત કરે છે. જે અભિનંદનને પાત્ર છે. તેઓએ જળ હોનારત વખતેનો કિસ્સો વર્ણવતા કહ્યું હતું કે મોરબી આખું પાણીમાં ગરક થઈ ગયું હતું. ત્યારે એન્જીનીયરીંગ કોલેજ અમદાવાદ શિફ્ટ કરવાની વિચારણા ચાલતી હતી. જો વિજયભાઈએ ત્યારે એન્જીનીયરીંગ કોલેજની સાફ સફાઈનું અભિયાન ન છેડયું હોત તો આજે મોરબીમાં એન્જીનીયરીંગ કોલેજ ન હોત. ભૂકંપના બીજા જ દિવસે વિજયભાઈ મારી ઓફિસે આવ્યા હતા. ત્યારે વિજયભાઈએ સામાકાઠે હાઉસિંગ બોર્ડ બનાવવાની વાત રજૂ કરી હતી. આમ હાઉસિંગ બોર્ડ પણ વિજયભાઈને આભારી છે.

સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈના પ્રયત્નો થકી ગુજરાત ઘણું આગળ આવી રહ્યું છે અને કોરોના સામે બાથ ભીડી રહ્યું છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. ઇટાલી, ચાઇના અને સ્પેન સહિતના દેશો કે જેની કોરોનાના કારણે હાલત અતિ ખરાબ છે. આવા દેશો સાથે મોરબી ઔદ્યોગિક ક્ષેત્રે જોડાયેલ હોય છતાં આજે મોરબી જિલ્લો કોરોના મુક્ત છે. આ સરકારના સારા અભિગમનું પરિણામ છે. અત્યારની વિકટ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગના કામદારો તો ઠીક પણ બહારના જરૂરિયાતમંદો પણ ભુખ્યા ન રહે તે માટે સેવા કરી રહ્યા છે. વધુમાં નિલેશભાઈએ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો હતો કે અત્યારે કારીગરો પાછા વતન ચાલ્યા ન જાય અને જે ગયા છે તેને પાછા લાવવા સરકારે આયોજન કરવું પડશે. ઉદ્યોગોના લાભાર્થે બેંક લિકવિડીટી માટે પણ કંઈક કરવું પડશે. અંતમાં તેઓએ કહ્યું કે જો સરકાર ગેસના ભાવમાં ઘટાડો કરે તો સિરામિક ઉદ્યોગ માર્કેટમાં પોતાનો પગ વધુ મજબૂતાઈથી જમાવીને ભારતના સિરામિક ઉદ્યોગને એક જ વર્ષમાં વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચાડી શકે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિલેશભાઈ જેતપરિયાના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે ઉદ્યોગકારોએ કારીગરોમાં ગભરાહટ ન ફેલાય તેનું ધ્યાન રાખવું પડશે. કારીગરો હાલની સ્થિતિમાં પોતાના વતને જવાની જીદ ન પકડે તે માટે તેઓને સમજાવવા પડશે. અને જો વતન જવું હોય તો 15-20 ટકા કારીગરો વારા ફરતે વતનમાં જઈ આવે તે દિશામાં આગામી દિવસોમાં પ્રયત્નો કરવા જોઈએ. વધૂમાં વિજયભાઈએ જણાવ્યું કે કોરોનાને અટકાવ્યા બાદ રાજ્ય સરકાર નાના- મોટા ઉદ્યોગો, વેપારીઓના ધંધાને કેવી રીતે ફરી ધમધમતા કરવા તે અંગે વિચારીને તેને મદદરૂપ થશે. અને ફરી વાર વાયબ્રન્ટ ગુજરાતને પ્રસ્થાપિત કરશે.

ક્લોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીએ મુખ્યમંત્રીને જણાવ્યું કે દરેક રાજકીય આગેવાનોને કોઈને કોઈ ટેગ મળતા હોય છે. જેમાં આપને સંવેદનશીલ મુખ્યમંત્રીનો ટેગ મળ્યો છે. લોકસભાના ઇલેક્શન વખતે આપના પ્રતિસ્પર્ધી ઉમેદવારના યુવાન પુત્રનું આકસ્મિક નિધન થયા બાદ આપે અને આપની પાર્ટીએ વિજય સરઘસ ન કાઢવાનો નિર્ણય લીધો હતો. જે ખરેખર તમે સંવેદનશીલ હોવાનું પુરવાર કરે છે. અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમારી પાસે સંવેદનશીલ, જૈન ધર્મને અનુસરતા અને સંઘની વીચારધારા ધરાવતા મુખ્યમંત્રી છે. અંતમાં તેઓએ ક્લોક ઉદ્યોગ વિશે જણાવ્યું કે આ ઉદ્યોગમાં 95થી 97 ટકા મહિલા કર્મચારીઓ છે. પરિસ્થિતિ જ્યારે થાળે પડે ત્યારે નાના ઉદ્યોગો માટે સરકાર કઈક વિચારે તો ક્લોક ઉદ્યોગને પણ ન ભૂલે તેવી લાગણી છે.

યંગ ઇન્ડીયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ મુખ્યમંત્રીને જણાવ્યું કે મોરબી જિલ્લામાં તમામ સ્વૈચ્છીક સંસ્થાઓ એક બીજા સાથે સંકલન સાધીને તેમજ વહીવટી તંત્ર સાથે પણ સંકલનમાં રહીને સેવા કાર્ય કરી રહી છે. મોરબી જિલ્લામાં એક પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ભૂખ્યો નહી રહેવા દઈએ તેવા લક્ષ્યાંક સાથે અમે કામ કરી રહ્યા છીએ. દેવેનભાઈ રબારીને વળતા જવાબમાં મુખ્યમંત્રી વિજયભાઈએ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ સેવાની સુવાસ સતત ફેલાવતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

અંતમાં મોરબી જિલ્લામાં તંત્ર સાથે સતત સંકલનમાં રહીને મોરબીવાસીઓ સુધી પળેપળની ખબર પહોંચાડતા તેમજ હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ તંત્રની વચ્ચેની કડી બની રહેલા ‘મોરબી અપડેટ’ને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શુભકામનાઓ પાઠવી હતી અને તેની કામગિરીની સરાહના કરી હતી.

મોરબી અપડેટની સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી ખાસ વાતચીતનો વિડિઓ જૂઆ માટે નીચેની લિંક પર ક્લીક કરો..