ઉદ્યોગકારોએ ચિંતા છોડી પડકારોનો સામનો કરવો, આપવાની જ ભાવના રાખવી, સફળતા મળશે જ : સવજીભાઈ ધોળકીયા

- text


મોરબી યુવા જ્ઞાનોત્સવમાં ત્રીજા સેશનમાં જાણીતા ઉદ્યોગપતિએ પોતાની ગામઠી ભાષામાં 8 હજારથી વધુ લોકોને ગદગદિત કરી દીધા : સવજીભાઈના ‘હેલો’ દર્શકોને મોજ કરાવી દીધી
જે.ડી. મજેઠીયા અને જયસુખભાઈ પટેલે પણ પોતાના વક્તવ્યમા દર્શકોને અંત સુધી જકડી રાખ્યા

મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવનો આજે ત્રીજો સેશન ઐતિહાસિક બની ગયો હતો. કારણકે જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ કદી ન વિસરાય એવો જલસો દર્શકોને પોતાની ગામઠી ભાષામાં કરાવ્યો હતો. આ વક્તવ્ય ઉપર ઉપસ્થિત 8 હજાર દર્શકો આફરીન બની ગયા હતા. ઉપરાંત પોતાના વક્તવ્યમાં તેઓએ ખૂબ નિખાલસાથી પ્રામાણિકતા અને બીજાને આપવાના જ ઈરાદાથી ચાલવા સહિતના અનેક સંદેશાઓ પોતાના જીવનના ઉદાહરણના આધારે આપ્યા હતા. આ સેશનમાં જે.ડી. મજેઠીયા અને ઓરેવાના એમ.ડી જયસુખભાઈ પટેલના વક્તવ્યએ પણ દર્શકોને જકડીને રાખ્યા હતા.

મોરબી યુવા જ્ઞાનોત્સવના બીજા દિવસે સાંજના ત્રીજા સેશનનું ઉદ્ઘાટન આદર્શ માતાઓ અને સ્વચ્છતા અભિયાન ટીમના હસ્તે થયું હતું. ત્યારબાદ ખીચડી ફેઈમ જે.ડી. મજેઠીયાએ રૂક જાના નહિ તું કહી હાર કે વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. વક્તવ્ય શરૂ કરતા પહેલા તેઓએ ઉપસ્થિત તમામ દર્શકોને બાજુમાં બેઠેલા બીજા બે વ્યક્તિઓને જાદુ કી જપ્પી અપાવી હતી એટલે કે ગળે મળાવ્યા હતા. બાદમાં તેઓએ કહ્યું કે હારવું એટલે આપણે ધારેલું ન મળે તેને આપણે હાર માનીએ છીએ. ખાસ મોરબીવાસીઓએ તો ઘડિયાળને ધ્યાને રાખવી જોઈએ. ઘડિયાળના કાંટાની જેમ ઉભા રહ્યા વગર જ ચાલતું રહેવું જોઈએ. તમે શુ કરી શકો છો તે તમને જ ખબર હોય છે. જીવનમાં ઊંચવા ઉડવું હોય તો રિસ્ક તો લેવા જ પડે છે. અને આ દુનિયામાં પરીશ્રમનું કોઈ પર્યાય હોતું નથી. અંતમાં તેઓએ કહ્યું કે સૌથી મોટો શિક્ષક તે દિલ તૂટવું અને વિશ્વાસઘાત હોય છે જે આપણને ઘણું શીખવી જાય છે.

ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલે રણ સરોવર પ્રોજેક્ટના મહત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ કચ્છના નાના રણમાં 5 હજાર સ્કેવર કિલોમીટર વિસ્તારમાં સરોવર બનવાના તેમના સ્વપ્ન વિશે વિગતવાર માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે આ રણ સરોવરથી 350 ગામના લોકોનો પાણી પ્રશ્ન હલ થઈ જશે અને 3 લાખ હેકટર જમીનમા બારમાસી ખેતી થઈ શકશે.આ પ્રોજેક્ટ એકાદ વર્ષમાં સાકાર થવા જશે.

- text

જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ સાચી સફળતાનાં સૂત્રો વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું ફિલોસોફર નથી. પીલોસોફર છું. પીલાઈને બધું શીખ્યો છું. મારૂ પ્રેઝન્ટેશન સારૂ નહિ હોય પણ ઇન્ટેનશન સારૂ હશે. પૈસા ભગવાન એને જ આપે છે. જે પૈસાને પ્રામાણિકતાથી વાપરે. મારે ત્યાં કામ કરતા દરેક લોકો મારાથી વધુ બુદ્ધિશાળી છે.તોય મને જ કેમ આટલા પૈસા ભગવાને આપ્યા? તેનો જવાબ છે કે હું આપવામાં જ માનું છું. અમે વર્લ્ડની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ પગાર ચૂકવીએ છીએ. અત્યારે 8 હજાર કર્મચારીઓને અમે એવરેજ એક માસનો 80 હજાર પગાર ચૂકવીએ છીએ. અમારે ત્યાં છેલ્લા 7 વર્ષથી એક પણ હીરો ચોરાયો નથી કે ખોવાયો નથી કારણકે અમારે ત્યાં કામ કરતા કોઈને એવી જરૂર જ નથી. એમ કહી શકાય કે અમારે ત્યાં સતયુગ ચાલે છે. હું ચોખ્ખું છું કે મારે વધુ જોઈએ છે એટલે હું કર્મચારીઓને વધુ આપું છું. જો તમારે પણ વધુ જોઈએ છે તો વધુ આપવું પણ પડશે. પૈસા ભેગા કર્યા તે આપણા નથી કહેવાતા વાપર્યા તે આપણા કહેવાય છે. અંતમાં તેઓએ રમૂજ સાથે કહ્યું હતું કે આશા રાખું છું મોરબીના રોડ- રસ્તાઓ ટૂંક સમયમાં સુધરી જાય. અત્રે ઉલ્લેખનીય છે કે સવજીભાઈએ ખૂબ રમૂજ પૂર્વક મહત્વના સંદેશ આપ્યા હતા. ઉપરાંત તેઓએ વાત વાતમાં હેલો- હેલો બોલીને દર્શકોને પેટ પકડીને હસાવ્યા પણ હતા. સવજીભાઈનું આ વક્તવ્ય મોરબીવાસીઓ માટે ખૂબ યાદગાર સંભારણું બની ગયું હતું.

- text