સુપર 30 ફિલ્મના રિયલ હીરો આનંદકુમારનો એક વિદ્યાર્થી મોરબી પીજીવીસીએલમાં બજાવે છે ફરજ

- text


બિહારના પટનામાં આનંદકુમાર પાસે ભણેલા અરુનકુમાર હાલ મોરબીના આમરણમાં કાર્યરત : તેઓએ 9 ગર્વમેન્ટ જોબની પરીક્ષાઓ પાસ કરી છે

મોરબી : હાલ બૉલીવુડમા ધૂમ મચાવી રહેલા સુપર 30 ફિલ્મના રિયલ હીરો આનંદકુમારના વિદ્યાર્થી અરુનકુમાર મોરબીના આમરણ ખાતે પીજીવીસીએલમા નોકરી કરી રહ્યા છે. તેઓએ આનંદકુમારની શિક્ષણસેવા વિશે વર્ણન કરતા કહ્યું કે આનંદકુમારે આપેલા શિક્ષણથી હજારો છાત્રોએ ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું છે. વધુમાં તેઓએ પણ આનંદકુમાર પાસેથી શિક્ષણ મેળવીને 9 ગર્વમેન્ટ જોબની પરીક્ષાઓ પાસ કરી છે.

ફિલ્મ સુપર 30 રિયલ સ્ટોરી ઉપર આધારિત ફિલ્મ છે.જેમાં પટનામા ફ્રીમાં શિક્ષણ સેવા પૂરી પાડતા શિક્ષક આનંદકુમારનો રોલ પ્લે કરીને ઋત્વિક રોશને તમામના દિલ જીતી લીધા છે. જો કે આ ફિલ્મના રિયલ હીરો આનંદકુમાર પાસે શિક્ષણ મેળવનાર અરુનકુમાર મોરબીના આમરણ ખાતે પીજીવીસીએલમા નોકરી કરી રહ્યા છે. તેઓએ પોતાના શિક્ષક આનંદકુમાર વિશે જણાવ્યું કે આનંદકુમાર શિક્ષણ આપીને કોઈ એક વ્યક્તિને નહિ પરંતુ તેની પેઢીને તારવાની સેવા કરતા હતા.

વધુમાં તેઓએ કહ્યું કે આનંદકુમારે ફ્રી કોચિંગ કલાસ વર્ષ 1992-93ના શરૂ કર્યા હતા. તેઓએ આ ક્લાસમાં વર્ષ 2008મા પ્રવેશ મેળવ્યો હતો. તેઓ અગાઉ ઝારખંડ રહેતા હતા. પરંતુ બાદમાં પટના આવતા તેઓએ અન્ય કલાસમાં શિક્ષણ મેળવવા તપાસ આદરી તો ત્યાં એક વિષયના રૂ. 20 હજાર જેવી માતબર ફી લેવામાં આવતી હતી. બાદમાં તેઓને આનંદકુમાર અંગે જાણ થતા તેઓએ આ ફ્રીના કલાસ શરૂ કર્યા હતા.

- text

આનંદ કુમાર પહેલા તેઓના ઘર પાસે જ ટ્યુશન ચલાવતા હતા. બાદમાં તેઓએ કુમરાર વિસ્તારમાં કલાસ શરૂ કર્યા હતા. તે સમયે ચોમાસામાં કલાસે જવુ ખૂબ કઠિન હતું. તમામ લોકોએ ગોઠણ સુધી પાઈચા વાળીને ગારો ખૂંદવો પડતો હતો. તેમ છતાં આનંદકુમારના ક્લાસમાં કોઇ વિદ્યાર્થી ગેરહાજર રહેતુ ન હતું. વિદ્યાર્થીઓ પ્રથમ હરોળમા બેસવા માટે કલાસના સમય કરતાં વહેલા આવી જતા હતા.

આનંદકુમાર પ્રેક્ટિકલ રીતે શિક્ષણ આપતા હતા. તેમની શીખવાડવાની પદ્ધતિ બીજાથી તદ્દન અલગ જ હતી. જે વિદ્યાર્થીઓને ખૂબ ગમતી હતી. આનંદકુમાર હંમેશા કહેતા હતા કે જો તમને ક્યાંય ગભરાહટ થાય તો બે મિનિટ આંખ બંધ કરીને તમારા માતા પિતાને યાદ કરો. તેઓ કલાસમાં વિદ્યાર્થીઓને ખૂબ મોટીવેટ કરતા હતા.

અંતમાં અરુનકુમારે કહ્યું કે આનંદકુમારના ક્લાસમાં ગરીબ વિદ્યાર્થીઓ ભણતા હતા. આજે તેમના હજારો વિદ્યાર્થીઓ ખુબ સારા સારા પદો ઉપર આરૂઢ થયા છે. તેઓએ પણ 9 ગવર્નમેન્ટ જોબની પરીક્ષા પાસ કરી છે. જો કે ગુજરાતમાં શાંતિ હોય તેઓ છેલ્લા ચાર વર્ષથી મોરબીના આમરણ ગામે પીજીવીસીએલમા ફરજ બજાવી રહ્યા છે.

સુપર 30 ફિલ્મના રિયલ હીરો આનંદકુમાર પાસે ભણીને આગળ આવેલો યુવાન હાલ મોરબી જિલ્લામાં ફરજ બજાવી રહ્યો છે..જુઓ મોરબી અપડેટનો એક્સક્લુસીવ ઇન્ટરવ્યૂ..

- text