મોરબી પાલિકાની નવી કમિટીઓની રચના માટે ગુરૂવારે બોર્ડ : નવા જુનીના એંધાણ

- text


મોરબી : મોરબી નગર પાલિકાની આ ટર્મમાં સતત સત્તાની ખેંચતાણ ચાલુ રહી છે. ત્યારે હાલ પાલિકામાં કોંગ્રેસના શાસનની વચ્ચે ભાજપની વિવિધ કમિટીઓને રદ કરી નવી કમિટીઓની રચના કરવા સહિતના એજન્ડા સાથે આગામી તારીખ ૩૧ જાન્યુઆરીને ગુરૂવારે નગરપાલિકાની સાધારણ સભા મળવાની છે. જેમાં નવા જુનીના થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

મોરબી નગર પાલિકા દ્વાએ આગામી ગુરુવારે સાધારણ સભા બપોરે ૪:૦૦ કલાકે પાલિકાના સભાખંડમાં બોલવાઈ છે. જેમાં જનરલ બોર્ડ તારીખ ૨૭-૩-૨૦૧૮નું પ્રોસિડિન્ગ કાયમી કરવા, એકાઉન્ટ વિભાગનાં રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૭-૧૮નું વાર્ષિક આવક-ખર્ચનું પત્રક મંજુર કરવા, ૨૦૧૮-૧૯નાં ત્રિમાસિક, છ માસિક અને નવ માસિક આવક-ખર્ચનું પત્રક મંજુર કરવા, કર્મચારીઓના રાજીનામાં મંજુર કરવા, ગાર્ડન ઓફીસ બનાવવા માટે ૫ લાખ મંજુર કરવા, જૂની કમિટીઓ રદ કરી નવી કમિટીઓની રચના કરવા, વિવિધ સંસ્થાઓમાં ચૂંટાયેલા નગરપાલિકાના પ્રતિનિધિઓની નવી નિમણૂક કરવા સહિતના વિવિધ એજન્ડાનો સમાવેશ કરાયો છે.

- text

આ સાધારણ સભામાં અગાઉ થયેલી કમિટી રદ કરી નવી કમિટીઓની રચના કરવાની હોવાથી આ બેઠકમાં ભારે ગરમા ગરમી થવાની પુરી શકયતા છે. હાલમાં પાલિકામાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ છે. અને બને પક્ષ પાસે સરખી એટલે કે 26 – 26 બેઠકો છે. ત્યારે પાલિકાની નવી કમિટીઓની રચનામાં નવા જૂની થવાના પ્રબળ એંધાણ મળી રહ્યા છે.

જ્યારે ભાજપના સભ્ય પ્રભુભાઈ ભૂત દ્વારા કૉંગ્રેસના સભ્યો અરુણાબા જાડેજા, ભાવિનભાઈ ઘેલાણી, ગૌરીબેન દશાડિયા, જયશ્રીબેન પરમાર અને અરજણભાઈ કણજારિયા સામે પક્ષાંતર ૧૯૮૬ની કલમ ૩ હેઠળ અરજી કરવામાં આવી છે. જે બાબતે ગુજરાતના નામોદિષ્ટ અધિકારી દ્વારા કોંગ્રેસ ના સભ્યોને હાજર રહેવા સુચન કરવામાં આવ્યુ હતુ. જોકે સૂત્રો અનુસાર આ મામલે સુનાવણીની મુદ્દત આગામી તારીખ ૭મી ફેબ્રુઆરીએ પડી છે.

- text