ભેંસ ચોરાવા આવ્યા ને ભાંઠે ભરાયા : ભાગવા ગયાને ગાડી પલટી

માળિયાના હજનાળી ગામે કચ્છથી ભેંસ ચોરાવા આવેલા શખસો પાછળ ગ્રામજનો દોડતા બોલેરો પલટી મારતા બે ઘાયલ

માળીયા : માઠા વરસને કારણે અત્યારથી જ બેકારીને કારણે ઘરફોડી ચોરીના બનાવો વધવા લાગ્યા હોય તેમ માળીયા તાલુકાના હજનાળી ગામે ગઈકાલે રાત્રીના ભેંસ ચોરાવા માટે કચ્છની ગેંગ આવી હતી પરંતુ લોકો જાગી જતા ભેંસ ચોરોને ભાગવું ભારે થઈ પડ્યું હતું અને તસ્કરોની બોલેરો પલટી મારી જતા બે શખ્સોને મોરબી સિવિલમાં ખસેડવા પડ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના હજનાળી ગામે ગત રાત્રીના ૩:૦૦ વાગ્યાની આસપાસ કચ્છ તરફના તસ્કરો ભેસ ચોરવા આવ્યા હતા ત્યારે ગ્રામજનો જાગી ગયા હતા અને ગ્રામજનોને જોઈને ભેંસ ચોરાવા આવેલા શખ્સો બોલેરો કારમાં ભાગ્યા હતા.

જો કે ઉતાવળમાં ભાગી રહેલા તસ્કરોની બોલેરો ગાડી પલ્ટી મારી જતા અશ્વીન નાગજણભા ગઢવી, ઉ.૧૮
રહે. ભચાઉ, કચ્છ અને હસમુખ રામભા ગઢવી, ઉ.૨૫
રહે. ભચાઉ, કચ્છ વાળાને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી સિવીલમાં સારવારમાં ખસેડયા છે.

ઉલ્લેખનીય છે કે કુલ ચાર શખસો ભેસ ચોરવા આવેલ હતા જેમાંથી બે ભાગી જવામાં સફળ થયા છે અને આ ભેંસ ચોરો દ્વારા પોલીસ ઉપર પણ પથ્થર મારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.