એસપી કચેરીમાં મોરબીનું નવું કોર્ટ બિલ્ડીંગ નિર્માણ કરવા બાર એસોશિએશનની માંગ

- text


નવી ગાઈડ લાઈન મુજબ ૪૦ હજાર ચોરસ મીટર જગ્યામાં કોર્ટ બિલ્ડીંગ બનવવા રફાળેશ્વર નજીકનું સ્થળ સુચવાતા ધારાશાસ્ત્રીઓનો વિરોધ

મોરબી : મોરબી જિલ્લામાં નવું કોર્ટ બિલ્ડીંગ બનાવવા ગતિવિધિ તેજ થઈ છે જે અંતર્ગત ગઈકાલે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ મોરબીની મુલાકાતે આવતા એસ.પી.કચેરી વાળી જગ્યામાં નવું કોર્ટ પરિસર બનવવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હાઇકોર્ટના આદેશ અન્વયે તમામ જિલ્લામાં નવા કોર્ટ સંકુલ નિર્માણ થઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં હાલનું કોર્ટ બિલ્ડીંગ ટૂંકું પડી રહ્યું હોય હાઇકોર્ટ દ્વારા મોરબી જિલ્લાની તમામ કોર્ટ એકજ સંકુલમાં સમાવી લેવા નવુ બિલ્ડીંગ બનાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દરમિયાન ગઈકાલે ગુજરાત હાઇકોર્ટેના મોરબી જિલ્લાના યુનિટ જજ મોરબીની મુલાકાતે આવ્યા હતા અને કોર્ટ પરિસર અંગે બાર એસોશિએશન અને ન્યાયાલયના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે એક વાત એવી પણ આવી હતી કે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટને શહેર બહાર રફાળેશ્વર નજીક ખસેડવા વિચાર વિમર્શ કરાયો હતો પરંતુ સ્થાનિક ધારાશાસ્ત્રીઓમાં આ મામલે ભારે વિરોધ વંટોળ ઉઠ્યો હતો.

જો કે હાલમાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં જ વેજીટેબલ રોડ પર આવેલ એસ.પી.કચેરીનું સ્થળાંતરણ થાય તેમ હોવાથી બાર એસોશિએશન દ્વારા આ જગ્યા બધાને અનુકૂળ હોવા ઉપરાંત શહેરની મધ્યમા હોય અહીં જ નવું કોર્ટ સંકુલ નિર્માણ કરવા માંગણી હાઇકોર્ટ મન પ્રતિનિધિ મંડળ સમક્ષ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text