માળીયાના વવાણીયામાં પાગલ મહિલાને બાળકો ઉઠાવી જનાર સમજી લોકોએ ઢીબી નાખી

- text


સરપંચે દરમિયાનગિરી કરી મહિલાને સુરક્ષિત બચાવી : ૧૮૧ ટીમે હાથ ઊંચા કરી નાખ્યા

મોરબી : સોશ્યલ મીડિયામાં ફરતી અફવાઓ ક્યારેક કોઈ નિર્દોષની જિંદગી પણ છીનવી શકે છે ! આવો જ એક કિસ્સો માળીયા તાલુકાના વવાણીયા ગામમાં બન્યો હતો અને લોકોએ એક પાગલ મહિલાને બાળક ઉઠાવી જતી ગેંગના સભ્ય માની ઢીબી નાખતા ચકચાર મચી હતી, જો કે બાદમાં સરપંચની દરમીયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો પરંતુ આ કિસ્સામાં મહિલા સુરક્ષા માટેની અભયમ ૧૮૧ ની વરવી ભૂમિકા રહી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ એક પાગલ મહિલા થોડા સમયથી માળિયા તાલુકાના અલગ અલગ ગામોમાં ભટકી રહી છે જે ભટકતી-ભટકતી વવાણીયા ગામે આવી પહોંચી હતી એટલામાં કોઇએ તેને બાળક ઉઠાવી જતી ટોળકીની સભ્ય હોવાની અફવા ઉડાવતા આ વાત ગામમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી અને ગામ લોકો એકઠા થઇ ગયા હતા.

જો કે, પહેલા તો લોકોએ તે કોણ છે તે વિશે પુછતા પાગલ મહિલાએ સામે કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો જેથી ગામલોકોએ બાળકો ઉઠાવી જતી ટોળકીની સભ્ય સમજી ઢીબી નાખી હતી અને સરપંચને આ વાત થી વાકેફ કરતા સરપંચ ત્યાં ઘટના સ્થળે પહોચતા તે મહિલા પાગલ છે અને છેલ્લા દિવસોથી અલગ અલગ ગામોએ ભટકતી હોવાનું લોકને જણાવી ગઈકાલે આ મહિલા બાજુના ગામે હતી તેવી ખાત્રી આપતા ગામલોકોએ નિરાતનો શ્વાસ લઇ પસ્તાવો વ્યક્ત કર્યો હતો.

- text

બાદમાં સરપંચ દ્વારા તે મહિલાને સુરક્ષીત જગ્યાએ પહોચાડવા માટે અભયમ ૧૮૧ ટીમનો સંપર્ક કર્યો હતો પરંતુ ૧૮૧ ની ટીમે આ કેસ અમને લાગુ ન પડે તમે ૧૦૦ નંબર માં ફોન કરી તેને સોપી દો તેવો જવાબ આપી હાથ ઉચા કરી દેતા આશ્ચર્ય સર્જાયું છે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં બાળકોને ઉઠાવી જતા લોકોની ટોળીઓ અલગ અલગ શહેરોમા ઉતરી આવી છે અને ભીખ માંગવા માટે બાળકોને ઉઠાવી જાય છે.તો બીજી એક વધુ અફવા બાળકોને ઉઠાવી તેની કિડની કાઢીને માનવઅંગ વેચવામાં આવે છે એવા મેસેજ દરરોજ વાયરલ થતા હોય છે અને ગ્રામ્ય વિસ્તારના લોકો આવા મેસેજ ને સાચા સમજી બેસે છે અને નિર્દોષ લોકો નાહકનો ભોગ બની રહ્યા હોવાનું વવાણીયાના કિસ્સા પરથી સાબિત થયું છે.

- text