હરિપર- કેરાળાના ગ્રામજનોનો સંકલ્પ : તમામ બાળકો ભણશે સરકારી શાળામાં

- text


ગ્રામજનોએ શાળાના શિક્ષકો સાથે બેઠક કરીને લીધી પ્રતિજ્ઞા : હવે થી ગામનો એક પણ બાળક ખાનગી શાળામાં અભ્યાસ નહિ કરે

મોરબી : હરિપર- કેરાળાના ગ્રામજનોએ ગામના તમામ બાળકોને ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવાનો અનોખો સંકલ્પ લીધો છે. જો દરેક ગામમાં આવો સંકલ્પ લેવાઈ તો દરેક સરકારી શાળાઓનું શિક્ષણ સ્તર ઊંચું આવી શકે છે. અને સરકારી શાળાઓની સ્થિતિ પણ સુધરી શકે છે.

વર્તમાન સમયમાં શિક્ષણનું વ્યાપારીકરણ થતું જાય છે.દિવસે ને દિવસે બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ માટે મોકલવાનો ક્રેઝ વધતો જાય છે.સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટતી જાય છે.સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ પૂરતી ભૌતિક સુવિધાઓ અને સક્ષમ અને ક્વોલિફાઈડ શિક્ષકો છે અને ગુણવતા સભર શિક્ષણ આપવામાં આવે છે.છતાં પણ એક પ્રકારના ખાનગી શાળા પ્રત્યેના ગાડરિયા પ્રવાહના કારણે વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે મોકલે છે.

- text

આવી સ્થિતિ વચ્ચે મોરબી તાલુકાના હરિપર -કેરાળા ગામના ગ્રામજનોએ ગામના તમામ બાળકોને ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવાનો અને ખાનગી શાળામાં જતા તમામ બાળકોને આગામી શૈક્ષણિક સત્રથી ગામની જ શાળામાં દાખલ કરવાનો અનોખો સંકલ્પ કરેલ છે.હરિપર -કેરાળા પ્રાથમિક શાળાના આચાર્ય દેવકરણભાઈ બી.સુરાણી, શાળાના શિક્ષક અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ રમેશભાઈ એસ.જાકાસણીયા તેમજ શાળાના શિક્ષિકા બહેન જલ્પાબેન ડી.કાવરના સમગ્ર શાળા પરિવારના સરાહનીય પ્રયત્નો અને સંકલ્પ થકી ગામના તમામ ગ્રામજનો અને બાળકોના વાલીઓએ શાળામાં એકત્રિત થઈ શાળા પરિવાર સાથે રહી ગામના તમામ બાળકોને ગામની જ સરકારી પ્રા.શાળામાં દાખલ કરવા બાબતે સામૂહિક પ્રતિજ્ઞા લઈ તમામ બાળકોને ગામની જ શાળામાં અભ્યાસ કરાવવાનો અનોખો સંકલ્પ લીધેલ છે.

આ ગામનો એક પણ બાળક હવે ખાનગી શાળામાં અભ્યાસ માટે જશે નહીં.મોરબીના શિક્ષણ જગત માટે આ એક વિરલ અને ગૌરવપૂર્ણ ઘટના ગણી શકાય. જિલ્લા પ્રા.શિ. સંઘની ટીમ દ્વારા શાળા પરિવાર અને ગ્રામજનોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

- text