મોરબી કોર્ટે લાંચિયા અધિકારીને 5 વર્ષની સજા ફટકારી

- text


2002માં સરકારી શાળાના રૂમ મંજુર કરવા સરપંચ પાસેથી 8 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયેલા વાંકાનેરના તત્કાલીન ટીડીઓને કોર્ટ આકરી સજાનો હુકમ કર્યો

- text

મોરબી : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના રહેવાસી અને સરપંચ રતીગર અમૃતગર ગોસ્વામીએ કન્યા શાળાના બાંધકામ સંદર્ભે ટીડીઓએ લાંચ માંગી હોય તેવી એસીબીમાં કરેલી ફરિયાદને પગલે વર્ષ ૨૦૦૨ ની સાલમાં એસીબીએ છટકું ગોઠવીને તાલુકા વિકાસ અધિકારી રાજેશકુમાર માનહારલાલ મહેતાને રંગેહાથે ઝડપી લીધા હતા. એસીબી ટ્રેપમાં લાંચ કેસમાં ઝડપાયેલા ટીડીઓ રાજેશ મહેતા સામે મોરબીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય જે દરમિયાન મૂળ કડીના રહેવાસી અને છેલ્લે પંચાયત વિભાગમાં ફરજ બજાવતા ટીડીઓને વર્ષ ૨૦૧૪ માં ડીસમીસ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે સરકારી વકીલ સંજય દવેએ કોર્ટમાં આરોપી સામે કડક સજાની માંગણી સાથે ધરધાર અને તર્કબદ્ધ દલીલોના અંતે આજે લાંચ કેસમાં મોરબી સેશન્સ કોર્ટમાં તમામ પુરાવાઓને ધ્યાને લઈને સેશન્સ કોર્ટે ટીડીઓ રાજેશ મહેતાને દોષિત ઠેરવ્યા હતા તેમજ ટીડીઓ સામે થયેલા લાંચના આરોપો સાબિત થતા મોરબી કોર્ટે ટીડીઓને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૭ મુજબ ૪ વર્ષની કેદ અને ૪૦૦૦ રૂપિયા દંડ તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩ (૧) ઘ મુજબ પાંચ વર્ષની કેદની સજા અને ૧૦ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. આમ લાંચ કેસમાં પંદર વર્ષ પૂર્વે ઝડપાયેલા ટીડીઓને મોરબી સેશન્સ કોર્ટે કુલ પાંચ વર્ષની કેદની સજા સાથે ૧૪,૦૦૦ રૂપિયા દંડ ભરવાનો આદેશ આપતો ચુકાદો કર્યો છે.

- text