મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ મગફળીનું અને બીજા ક્રમે કપાસનું ધૂમ વાવેતર

- text


ગુલાબી ઇયળના જોખમ વચ્ચે પણ ખેડૂતોએ કપાસનું વધુ વાવેતર કર્યું

મોરબી : જૂન-જુલાઈ માસમાં પડેલા સારા વરસાદ બાદ જિલ્લામાં ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કર્યું છે. સારા વરસાદને કારણે મગફળીનો વાવેતર વિસ્તાર વધવાની સાથે ગુલાબી ઇયળના જોખમ વચ્ચે પણ કપાસનું ધૂમ વાવેતર થયું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ ગત વર્ષે તુવેરે ખેડૂતોને રોવડાવતા ઓણસાલ તુવેરના વાવેતરનું પ્રમાણ સદંતર નહિવત જેવુ છે.
જાણવા મળતી વિગતો મુજબ ચાલુ વર્ષે જૂન માસના પ્રારંભે જ મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાનેરમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હતો અને બાદમાં જુલાઇ માસનાં પ્રારંભે સુપડાધારે વરસાદ વરસતા ઓણસાર ધરતી પુત્રોને વર્ષ સારું જાય તેવી આશાએ વાવણી કાર્ય સંપન્ન કરી લીધું છે. મોરબી જિલ્લામાં કુલ ૩,૧૯,૦૨૩હેકટર ખેતીલાયક જમીન પૈકી ૧,૩૦,૨૧૮ હેક્ટર જમીન પરનો જુલાઇ માસમાં પડેલ ભારે વરસાદ પૂર્વેજ વાવેલા કર્યો સંપન્ન કરી લેવામાં આવ્યું હોવાનું ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી ગજેરાએ જ્ણાવ્યું હતું.
તા.૧ જુલાઇ દરમ્યાન પડેલા ભારે વરસાદ બાદ સમગ્ર મોરબી જિલ્લામાં વાવણી લાયક વરસાદ થઈ જતાં મોરબી, માળિયા મિયાણા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં વાવણી કાર્ય સંપન્ન થયું છે. ચાલુ વર્ષે જિલ્લામાં મગફળીનું સૌથી વધુ વાવેતર થયું છે. અને કપાસનું વાવેતર પણ મગફળીની લાગોલગ કહી શકાય તે પ્રમાણે ગત વર્ષની તુલનાએ વધ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુલાબી ઇયળના ઉપદ્રવને કારણે કપાસના પાકમાં નુકશાન થઇ રહ્યું હોવા છતાં ચાલુ વર્ષે ખેડૂતોએ કપાસના વાવેતર વિસ્તારમાં વધારો કર્યો છે. જેની પાછળનું કારણ મગફળીની તુલનાએ કપાસના વધારે ભાવ માનવમાં આવે છે. ગતવર્ષે મગફળીના ભાવ તળિયે બેસી ગયા હતાં. કપાસના પ્રતિ મણ ભાવ ૧૧૦૦ સરેરાશ રહ્યા હતાં. જેને પગલે ખેડૂતોએ જોખમ ઉઠાવી ટૂકી મુદ્દતના કપાસનું વાવેતર કરી પાછો તરત શિયાળુ સિઝનમાં ઘઉં ચણાનો લાભ મળે તે હેતુથી કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે. બીજી તરફ ગતવર્ષે ખેડૂતોએ તુવેરનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું હતું. પરંતુ તુવેરના ભાવ ગગડી જતાં ખેડૂતોએ ઓણસાલ તુવેરનાં વાવેતરને ગુડ બાય કર્યું છે તો મગ-અડદ તેમજ અન્ય કઠોળ તેમજ તલના વાવેતરમાં પણ ઘટાડો કર્યો છે.
એકંદરે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ વાવેતર મગફળીનું થયું છે. અને બીજા ક્રમે ગુલાબી ઇયળના જોખમ વચ્ચે કપાસનું ધૂમ વાવેતર કરવામાં આવ્યું હોવાનું સતાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

- text