મોરબી : રસ્તા રીપેરીંગ માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા ૮ કરોડની ગ્રાન્ટની માંગણી

- text


ગ્રાન્ટ પાસ થશે તો મોરબી જિલ્લામાં રસ્તાનું ધોવાણ થતા અટકાવવા તમામ માર્ગો પર પુર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે

મોરબી : ભારે વરસાદને કારણે મોરબી જિલ્લામાં ધોરી માર્ગોનું ધોવાણ થતાં ૭૦ લાખથી વધુનું નુકશાન થયું છે. ત્યારે ભવિષ્યમાં આવું નુકશાન ન પહોચે તે માટે માર્ગમકાન વિભાગ દ્વારા રૂપિયા ૮ કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે.
ગત તા.૧ જુલાઇના રોજ પડેલા ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાનાં જાહેર માર્ગોને વ્યાપક પ્રમાણમા નુકશાન થયું છે. જેમાં ખાસ કરીને લજાઈ-હડમતિયા-વાંકાનેર માર્ગ, મિતાણાથી અમરસર વાંકાનેર માર્ગ અને ટંકારા લતીપરને જોડતા મુખ્ય માર્ગના રસ્તાનું ધોવાણ થઈ જતાં કલાકો સુધી આ જાહેર માર્ગો પરથી વાહનોની અવર જવર અટકી ગઈ હતી.
જાહેર માર્ગોના ધોવાણ અંગે મોરબી જિલ્લાના મુખ્ય કાર્યચાલક ઇજનેર શ્રી દામોડિયા જણાવ્યુ હતું કે, વરસાદી પાણી નિકાલના અભાવે પાણી કોઝવે અને માર્ગ પર પાણી ભરાતા હાલમાં ૭૦ લાખથી વધુ નુકશાનનો અંદાજ કાઢવામાં આવે છે. અને ભવિષ્યમાં રસ્તાઓનું ધોવાણ અટકે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રાજ્ય સરકાર પાસેથી રૂ. ૮ કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, રાજય સરકાર ગ્રાન્ટ ફાળવે ત્યાર બાદ જે જે માર્ગોમાં નુકશાન થયું છે તેવા માર્ગો પર પૂર સંરક્ષણ દીવાલ બનાવી રોડની મજબૂતાઈ વધારવામાં આવશે. જેથી ભવિષ્યમાં રસ્તાનું ધોવાણ અટકશે. હાલમાં ધોરી માર્ગની આસપાસ આવેલા ખેતરોમાં પાળા ઊચા કરી લઈ પાણી નિકાલમાં વહેણ સાંકડા કરી નાખવામાં આવ્યા હોવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. પરિણામ સ્વરૂપ માર્ગ પર પાણી ફરીવળતાં ધોવાણ થઈ રહ્યું છે. આ સંજોગોમાં કોઝવે આસપાસના માર્ગો અને જ્યાં જ્યાં પાણી ભરાતું રહે છે તેવા માર્ગો પર પૂર સંરક્ષણની દીવાલ બનાવી માર્ગોને થતું નુકશાન અટકાવાશે.

- text

- text