માળિયા (મીં) : શાળા પ્રવેશોત્સવ દરમિયાન વીજળી ગુલ થતા મંત્રીનો પિત્તો ગયો..અને !!

- text


મંત્રી કવાડીયાને અકળામણ થતા વીજતંત્રે આંખના પલકારામાં સુવિધા ઉભી કરી દીધી : પરંતુ વર્ષોથી પીડાતી પ્રજાની કોઈ પરવા જ નથી કરાતી

મોરબી જીલ્લાના પછાત તાલુકા ગણાતા માળિયા (મીં)મા સરકારની વિકાસની ગુલબાંગો વચ્ચે દિવસમાં અનેક વખત વીજળી ગુલ થવાની પીડામા વર્ષોથી લોકો અકળાઈ રહ્યા છે. ત્યારે આજે માળિયા (મીં)મા શાળા પ્રવેશોત્સવ વખતે વીજળી ગુલ રહેતા મંત્રીને મુશ્કેલી થતા મંત્રીએ પોતાને પડતી મુશ્કેલીને લઈને વીજતંત્રને ખખડાવી નાખી તરત જ વીજળી પાછી લાવી હતી.
માળિયા(મીં)ની કુમાર કન્યા શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી જયંતીભાઈ કવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. જોકે માળિયા(મીં) માં વર્ષોથી વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા છે. કલાકો સુધી વીજળી ગુલ રહે છે. ત્યારે આ કાર્યક્રમમાં ખરા ટાણે જ વીજળી ગુલ થઇ જતા શિક્ષકોએ વીજતંત્રને કાર્યક્રમ દરમિયાન વીજળી ચાલુ કરવા માટે ફોન કરીને વારંવાર લાઈટ ચાલુ કરવાની વિનવણી કરી હતી. પરંતુ વીજતંત્રએ હમણાં થઇ જશે. તેવો રાગ ચલાવીને ધ્યાન દીધું ન હતું. બીજી તરફ વીજળી ગુલ વચ્ચે કાર્યક્રમ ચાલુ થઇ ગયો હતો. જેથી મંત્રી કવાડીયા પરસેવે રેબઝેબ થઇ ગયા આથી તેમણે શિક્ષકોનું ધ્યાન દોર્યું હતું. પરંતુ શિક્ષકોએ કહયું હતું કે, વારંવાર વીજળી ગુલ થઇ જાય છે. જીઈબીમાં લાખ રજુઆતો કરવા છતાં લાઈટ આવતી નથી. આથી મંત્રી કવાડીયાની કમાન છટકી હતી. તેમણે સીધો જ જીઈબીને ફોન જોડાયો અને રીતસર અધિકારીઓને તતડાવી નાખ્યા. આથી સ્થાનિક વીજતંત્ર ખડે પગ થઇ ગયું હતું. અને તરત જ લાઈટ ચાલુ થઇ ગઈ હતી. એટલું જ નહી જ્યાં સુધી કાર્યક્રમ પૂરો ના થયો ત્યાં સુધી જીઈબીનો સ્ટાફ ત્યાંથી ખસ્યો ના હતો. માળિયા પછાત તાલુકો છે. ઘણી બધી સુવિધાઓની અછત છે. જેમાં વીજળીનો મુખ્ય પ્રશ્ન છે. માળિયાના શહેર સહીત વાંઢ વિસ્તારોમાં ઘણા સમયથી દિવસમાં અનેક વખત લાઈટો ગુલ થઇ જવાની સમસ્યા છે. લોકોએ હજારો વખત રજૂઆત કરી છે. છતાં વીજતંત્રના પેટમાં પાણી હલતું નથી.

- text

- text