મોરબી : નગરપાલિકામાં સત્તા પલ્ટા અંગે કૉંગ્રેસના બ્રિજેશ મેરજાની પ્રતિક્રિયા

- text


મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ બ્રિજેશ મેરજાએ મોરબી નગરપાલિકામાં પ્રમુખ , ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા સાંપડી નહિ તે અંગે મંતવ્ય આપતા કહ્યું છે કે, કાઉન્સીલરોનો ચુકાદો કોંગ્રેસ ખેલદીલી પૂર્વક સ્વીકારે છે. કોંગ્રેસની લડાઈ તો માત્ર સત્ય ઉજાગર કરવા અને નગરપાલિકા દ્વારા પ્રજાહિતની રખેવાળી થાય તે જોવા માટેની રહી છે. કોંગ્રેસની સતા ભૂખી નથી પરંતુ લોક ચુકાદાથી બાવનમાંથી બત્રીસ બેઠકો કોંગ્રેસને મળી છે જ્યારે ભાજપને માત્ર વીસ બેઠકો મળી છે ત્યારે ભાજપ દ્વારા સત્તા માટે નગરપાલિકામાં જે કાવાદાવા કર્યા છે તેનાથી મોરબીની શાણી પ્રજા વંચિત છે. આમ ભાજપ સત્તા માટે આટલું નીચું ઉતરી શકે તે જાણીને માથું શરમથી ઝૂકી જાય છે તેવું લોકહૈયે ચર્ચાય છે. કોંગ્રેસ સત્તા માટે ક્યારે સ્વમાન ગીરવે મુકેલ નથી અને સ્પર્ધામાં ટકી રહેવા માટે કોંગ્રેસ પ્રમુખ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ શિક્ષિત કાઉન્સિલર શ્રી મતિ પ્રિતીબેન પટેલ અને ઉપપ્રમુખ માટે દિક્ષિત, ઠરેલ કાઉન્સીલર શ્રી કાનજીભાઇ નકુમ સતવારા ઉપર પસંદગી થયા છે. પરંતુ ધારણા મુજબની બહુમતી ન મળતા કોંગ્રેસ નગરપાલિકામાં જાગૃત વિપક્ષની ભૂમિકા નિભાવી લોકહિતને ધ્યાનમાં રાખી કાર્યરત રહેશે. કોંગ્રેસનાં કાઉન્સીલરે બોર્ડ બેઠકની અવધિ સામે હાઇકોર્ટમાં દાદ પણ માંગેલ પરંતુ કોંગ્રેસની કાયદાકીય લડતનો પરાજય થયો છે. કોંગ્રેસ તેને પુન:પડકારશે.
આમ કોંગ્રેસનાં કાઉન્સીલર નગરપાલિકા લોકોની સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવે અને ભ્રષ્ટાચાર ન થાય તેની તકેદારી રાખશે. અંતમાં બ્રિજેશ મેરજાએ કોંગ્રેસની વિચારધારાને વળગી રહેનાર કોંગ્રેસી કાઉન્સીલરો અને આગેવાનોની આભાર લાગાણી વ્યકત કરી છે. ભાજપના ચૂંટાયેલા નવા સુકાનીઓ તટસ્થ ભાવે લોકહિતમાં કાર્યરત રહે તેવી મોરબીની પ્રજાવતિ કોંગ્રેસ અપેક્ષા રાખે છે એવુ બ્રિજેશ મેરજાએ જણાવ્યુ હતુ.

- text