સિરામિક કારખાનામાં પતરું તૂટતાં બે મજૂરો નીચે પડ્યા : એકનું મોત

- text


મોરબી : પાવડીયારી જેતપર રોડ નજીક આવેલ સિરામીક યુનીટમાં પતરા લગાવતી વેળાએ પતરૂ તુટી જતા ઉંચાઈએથી નીચે પટકાયેલા બે મજુરો પૈકી એકનું ઘટના સ્થળે મોત નિપજેલ છે. જયારે બીજાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જેતપર રોડ પાવડીયારી નજીક આવેલા રોટોન વિટ્રીફાઈડ નામના યુનીટમાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ઉચાઈ ઉપર ચડી ગોપાલ માવજી કાત્રોડીયા કોળી (ઉ.25) રહે. ત્રાજપર (ખારી) અને કિશોર બેચર પાટડીયા કોળી (ઉ.19) રહે. ત્રાજપર શેડના પતરા ફિટ કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે શેડનું પતરૂ તુટી જતા બંને યુવાનો નીચે પટકાયા હતા. જેમાં સ્થળ ઉપર જ ગોપાલ માવજી કોળીનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે ગંભીરપણે ઘવાયેલા કિશોર બેચર કોળીને અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવારમાં લઈ જવાયો હતો. ત્યાંથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું તાલુકા પોલીસે જણાવેલ છે.

- text

અન્ય બે મજુરોના હાર્ટ એટેકથી મોત
મોરબીના લાલપર પાવર હાઉન નજીક આવેલ લેટીગ્રેસ સીરામીકમાં માંધાતા પુરેલ ચંદ્ર પુરેલ (ઉ.41) નામનો પરપ્રાંતિય મજુર યુવાન અચાનક બેભાન થઈ જતા તેનું મોત નિપજયુ હતું. તપાસ અધીકારીના મતે હાર્ટ એટેકના લીધે તેનું મોત નિપજયુ હતું.
જયારે જેતપર રોડ પાવડીયારી નજીક આવેલા લેમસ્ટોન સીરામીક નામના યુનીટમાં મજુરીકામ કરતા ગણેશ મનાભાઈ ઠાકોર (ઉ.20) નામનો યુવાન કામ દરમ્યાન પાણી પીવા ગયો હતો પાણી પીધા બાદ પરત આવતા અચાનક તે બેભાન થઈને ઢળી પડયો હતો. તેને દવાખાને લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો. તપાસ અધિકારીના મતે તેનું પણ હાર્ટએટેકથી મોત થયેલ છે. બંનેના પીએમ રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસે જણાવેલ છે.

- text