મોરબી : ૭ ગામમાં પાણીની ગંભીર સમસ્યા મુદ્દે સરપંચો આકરા પાણીએ

પાણી સમસ્યા મુદ્દે ૭ ગામનાં સરપંચો-આગેવાનોની બેઠકમાં મંગળવારે ગાંધીનગર જઈ રજૂઆત કરવાનો નિંર્ણય

મોરબી : મોરબીનાં ૭ ગામોમાં ભરઉનાળે પાણીની તીવ્ર અછત સર્જાતા લોકોને પાણી માટે વલખાંમારવા પડતાં હોય ગામના લોકો અને સરપંચો સહિત સૌ કોઈ આકરા પાણીએ છે. ગ્રામજનો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવતી હોવાં છતાં પાણીની સમસ્યા યથાવત રહેતા પાણી સમસ્યા મુદ્દે ૭ ગામનાં સરપંચો-આગેવાનોની બેઠક મળી હતી.જેમાં મંગળવારે ગાંધીનગર જઈ રજૂઆત કરવાનો નિંર્ણય લેવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા તંત્રના અયોગ્ય આયોજનના કારણે ભરઉનાળે લોકોને પાણી માટે જ્યાં ત્યાં વલખાં મારવાં પડે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સ્થિતિ અતિ ગંભીર રીતે સર્જાય છે. મોરબી તાલુકાના જાબુડિયા, પાનેલી, ગીડચ, લખધીરપુર, મકનસર, બ્ંધુનગર અને કાલિકાનગર સહિતના ગામોમાં પાણીની ગંભીર અછત વર્તાય છે. આ ૭ ગામમાં પાણી પૂરતા પ્રમાણમાં ન મળતાં ૨૦ હજાર ગ્રામવાસીઓને એકમાત્ર બોરના પાણી પર આધાર રાખવો પડે છે. આ સમસ્યાનો ઉકેલલાવવા માટે ૭ ગામનાં અગ્રણીઓ વિક્રમભાઈ ગોલતર, અશોકભાઇ વરાણીયા તેમજ સરપંચો રમેશભાઈ પાંચીયા, છનાભાઈ પાંચીયા, શૈલેષભાઇ પટેલ, જગદીશભાઇ દલવાડી, પ્રાણજીવનભાઈ પટેલ, માવજીભાઇ દરોદરા અનેઆગેવાનો એ ઉપસ્થિત રહી બેઠક યોજી હતી. આ બેઠકમાં ગ્રામજનો અને અગ્રણીઓએ પાણી સમસ્યા મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં આ ગામો મધરડેમ નજીક હોવા છતાં આ ગામોને પાણી મળતું નથી જ્યારે સૌરાષ્ટ્રનાં જામનગર સહિત સ્થળોએ મધરડેમમાંથી પાણી પહોચાડવામાં છે ત્યારે આ ગામ ને કેમ પાણી અપાતું નથી? તેવું રોષપૂર્ણ રીતે જણાવી ૭ ગામનાં સરપંચો અને અગ્રણીઓએ મંગળવારે ગાંધીનગર ખાતે આ અંગે રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું.