મોરબી-રાજકોર હાઇવે પર અક્સમાતમાં આશાસ્પદ પટેલ યુવાનનું મુત્યુ

ટંકારાના મેહુલ કાચરોલાએ રાજકોટ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યો

ટંકારા : મોરબી-રાજકોર હાઇવે પર એટોપ વેફરના કારખાના પાસે નાસ્તો લેવા રોડ ક્રોસ કરી રહેલા આશાસ્પદ પટેલ યુવાનને બાઇકે ઠોકર મારતા યુવાનને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું. બે બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ એવા યુવાન મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ બનાવ ની મળતી વિગત મુજબ ટંકારામાં રહેતો અને મોરબીમાં વ્યવસાય ધરાવતો મેહુલભાઇ લક્ષમણભાઇ કાચરોલા (ઉ.૩૫) નામનો કડવા પટેલ યુવાન ગત રાત્રે નવેક વાગ્યે મોરબીથી પોતાના ધંધાના સ્થળેથી કાર લઇ ટંકારા પોતાના ઘરે જઇ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એ-ટોપ ફેકટરી પાસે કાર ઉભી રાખી સામેની સાઇડમાં નાસ્તો લેવા પગપાળા જઇ રહ્યો હતો ત્યારે બાઈક નંબર જીજે 10બીએચ 9338ના ચાલકે ઠોકરે લેતા મેહુલભાઇને ગંભીર ઇજા થતાં પ્રથમ મોરબી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલે વધુ સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું. મૃત્યુ પામનાર મેહુલભાઇ બે બહેનનો એકનો એક જ ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ હતો. તેના પિતા શિક્ષક છે. મેહુલભાઇના મોતથી બે માસુમ પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે.