જીએસટીમાં ઘડિયાળ ઉદ્યોગનો સમય સચવાયો નહીં : સી ફોર્મ દૂર થાય તો રાહત

ઘડિયાળ ઉદ્યોગને જીએસટીથી કશો ફર્ક પડ્યો નથી. પરંતુ હા, સી ફોર્મ નીકળી ૧૨ ટકાનાં સ્લેબમાં ઘડિયાળ ઉદ્યોગ સમાવવામાં આવે તો તો સર્વાધિક મહિલાઓને રોજગારી આપતાં આ ઉદ્યોગનો સમય અને મહત્વ સચવાય જાય : શશાંક દંગી (મોરબી ક્લોક એસો. પ્રમુખ)

મોરબી : અહીંનો ઘડિયાળ ઉદ્યોગ જગપ્રસિદ્ધ છે. એવું કહેવાય છે કે, મોરબીની ઘડિયાળ જગતભરનાં લોકોનો સમય સાચવે છે પરંતુ આ જ જગતભરનાં લોકોનો સમય સાચવતા મોરબીનાં ઘડિયાળ ઉદ્યોગનો સમય સરકારે જીએસટી સ્લેબ ટેક્સની યાદીમાં સાચવ્યો નથી. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવનારા જીએસટીથી ઘડિયાળ ઉદ્યોગને નહી નફો નહી નુકસાનની સ્થિતિ ઉદભવી છે. જીએસટીની સ્લેબ ટેક્સની યાદી મુજબ ઘડિયાળ ઉદ્યોગને ૧૮ ટકાનાં ગાળામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે ઘડિયાળ બનાવતા યુનિટ નાના હોવાથી એક્સાઈઝની મગજમારી રહેતી નથી પણ વેટ સહિતનાં ટેક્સ તો નાના વેપારીઓને પણ નાછુટકે ભરવા જ પડે છે. ત્યારે જીએસટીનાં અમલથી ઘડિયાળ ઉદ્યોગને કોઈ વિશેષ લાભ કે હાનિ થશે નથી.
આ અંગે મોરબી અપડેટ સાથે વાત કરતા મોરબી ક્લોક એસોસિયેશનના પ્રમુખશ્રી શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે ઘડિયાળ ઉદ્યોગનાં વેપારીઓને જીએસટી કે અન્ય ટેક્સ કરતાં પણ સૌથી મોટી મુશ્કેલી સી ફોર્મની છે. અન્ય રાજ્યમાં વેપાર કરતાં સમયે ઘડિયાળનાં વેપારીઓને સી ફોર્મ ભરવા પડે છે. જેની રિકવરી ઘડિયાળનાં વેપારીઓ માટે લોઢાંનાં ચણા ચાવવા જેવી બની જાય છે. જો આ સી ફોર્મ નાબૂદ થાય તો પણ ઘડિયાળ ઉદ્યોગને મોટી રાહત મળે તેમ છે. તેમ છતા આ અંગે કોઈ વિચારણા કે ફેરબદલ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા નથી.
સૌથી વધુ મહિલા રોજગારી આપતાં ઘડિયાળ ઉદ્યોગને સરકારે કોઈ જ રાહત આપી નથી ત્યારે સી ફોર્મની કળાકૂટ અને વૈશ્વિક બજારની હરિફાઈ સાથે મોરબીનો સદી જૂનો ઐતિહાસિક ઘડિયાળ ઉદ્યોગ જજુમી રહ્યો છે. આવનારા સમયમાં જો આ રીતે જ મોરબીનાં ઘડિયાળ ઉદ્યોગનાં વિકાસને અસરકર્તો અન્યાય થતો રહેશે તો મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ એક સમયનો ભૂતકાળ બની બંધ પડી જશે જેમાં કોઈ શંકા નથી.

ફાઇલ ફોટો