મોરબી-જેતપર રોડની મરામત કામગીરી પુનઃ ચાલુ કરાવાઈ : પૂર્વ ધારાસભ્ય મેરજા

- text


મોરબી : મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદ 30 વર્ષની સરેરાશ 579 મી.મી.ની સામે 1391 મી.મી. પડેલ છે. અને ભારે વરસાદ થોડા-થોડા અંતરે પડેલ હતો. જેને લીધે મોરબી જિલ્લાના રસ્તાઓને પારાવાર નુકશાન થયેલું છે. તે અન્વયે સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયાના પરામર્શમાં રહી મોરબી આસપાસના રસ્તાઓની મરામતની કામગીરી અગ્રતાના ધોરણે ચાલુ કરાવવા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રયાસો હાથ ધર્યાનું એક યાદીમાં જણાવાયું છે.

જેમાં મોરબી ભક્તિનગર સર્કલના બાયપાસ રોડ ઉપર ચાલતા ઓવરબ્રિજના કામને લીધે ટ્રાફિકને પડતી અડચણ નિવારવા ટ્રાફિક પોલિસને સતર્ક રાખી ટ્રાફિક સમસ્યા ઉકેલવા ઉપરાંત બંને બાજુના સર્વિસ રોડને ડામર પટ્ટી કરવવામાં સફળતા મળી છે. સાથોસાથ મોરબી-હળવદ રોડ ઉપર પણ પેચવર્કની કામગીરી ચાલુ કરાવી મોરબી-પીપળી-જેતપર રોડના મરામત અંગે વખતોવખત માર્ગ-મકાન વિભાગને તાકીદ કરી જાતે રસ લઈ કામગીરી કરાવેલ છે. પરંતુ સમયાંતરે વરસાદને લીધે આવી કામગીરીમાં અડચણ આવતી રહી છે. અને અનેક વખત આ વરસાદની સીઝનમાં મેટલ પેચવર્ક કરેલ, પરંતુ ફરી વરસાદ આવતા કરેલ કામગીરી ધોવાઈ ગયેલ છે. આ બાબતે અમે સૌ આગેવાનો ચિંતિત છીએ તેમ બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે.

તદુપરાંત, આ માર્ગ ઉપર આવેલા સિરામિક ઉદ્યોગ માટેના હેરફેરના વાહનો, મોટર સાઇકલ અને અન્ય વાહનો માટે રોડ સરખો બને તે માટે સતત માર્ગ – મકાન વિભાગને તાકીદ કરતાં રહ્યા છે. આ રોડ ઉપર ખાડાઓ પૂરવા કોન્ટ્રાક્ટરોના ખર્ચે અને જોખમે રૂ. 54 લાખના ખર્ચે મેટલિંગ કામગીરી પણ કરાવવાની ફરજ પાડવામાં આવી છે. હાલ મેટલિંગની ખાણમાં પાણી ભરાઈ જવાને લીધે મેટલ સપ્લાયમાં તકલીફ પડે છે તેનો વિકલ્પ પણ શોધીને તાત્કાલિક મરામત કામ ચાલુ કરાયું છે અને બનતી ત્વરાએ હોટ મિક્સ પ્લાન્ટ દ્વારા ડામર પેચવર્ક કરીને પડતી મુશ્કેલી દૂર કરવા પ્રયત્નશીલ છે. સ્વાભાવિક છે કે વરસાદના માહોલમાં ભેજને લીધે કપચી અને ડામરનું મિકસીંગ કરવામાં ટેકનિકલ મુશ્કેલી પણ રહે તેમ છતાં મોટા ખાડાઓ તાકીદે ભરી આ કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાયેલ છે.

- text

આ કામમાં આ રોડ ઉપર આવેલ ઉધ્યોગકારો પણ પ્રથમથી જ માર્ગ-મકાન વિભાગને દરેક પ્રકારનો સહયોગ આપી રહ્યા છે. પણ આ સીઝનમાં 30 વર્ષના સરેરાશ મુજબ ત્રણ ગણો વધુ વરસાદ પડતાં રોડમાં ખાડા પાડવાની મુશ્કેલી ઊભી થઈ છે. છતાં આ મુશ્કેલી નિવારવા પ્રયત્ન અને કટિબધ્ધ છે. જેને પરિણામલક્ષી બનાવીને લોકોને પડતી મુશ્કેલી દૂર કરાશે. વધુમાં, આ રોડ ઉપર વારંવાર જામ થઈ જતાં ટ્રાફિક અંગે જિલ્લા પોલિસ વડા સાથે પરામર્શ કરી ટ્રાફિક નિવારણ પોઇન્ટને વધુ સઘન કરાશે. હાલ રિપેરિંગની કામગીરી ચાલુ કરાવેલ છે જેને વધુ વેગવંતી બનાવી આ રોડ વાહન ચલાવવા લાયક બનાવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text