મોરબી અને ટંકારામાં થયેલી લૂંટ અને ચોરીના ભેદ ઉકેલાયા : 116 મોબાઇલ સાથે 4 શખ્સોની ધરપકડ

- text


 

એલસીબીનું ઓપરેશન સફળ રહ્યું : સામાકાંઠે રહેતા 4 શખ્સોની ગેંગના કારનામા, હજુ પણ અનેક અનડિટેકટેડ ગુનાઓમાં તેઓનું નામ ખુલે તેવી સંભાવના : રૂ. 6.05 લાખનો મુદ્દામાલ કબ્જે

મોરબી : મોરબી અને ટંકારામાં થયેલ લૂંટ અને ચોરીના બનાવનો ભેદ ઉકેલાઈ ગયો છે. એલસીબી દ્વારા આ મામલે 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેઓની પાસેથી 116 મોબાઈલ પણ મળી આવ્યા છે. આ રૂ. 5.65 લાખની કિંમતના મોબાઈલ અને બે બાઇક મળી એલસીબીએ રૂ. 6.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના પાવડીયાળી કેનાલ પાસે ક્રિપટોન સિરામિક સામે રોડ ઉપર ગત તા.17 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે એક હિન્દી ભાષી મજૂરને રોકી છરી બતાવી મોબાઈલ ફોન તથા રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.23 ઓગસ્ટના રોજ રાત્રીના મિતાણા ડેમ નજીક આવેલા રોડ કામના કેમ્પનાં રૂમમાંથી મોબાઈલ ફોનની ચોરી થયાનો બનાવ પણ નોંધાયો હતો.

બાદમાં આ બન્ને ગુનામાં સંડોવાયેલા 4 શખ્સો બે બાઇક ઉપર મોરબીથી જેતપર રોડ તરફ મજૂરોને મોબાઈલ વેચવા જવાના હોય તેવી બાતમી મળતા એલસીબી ટીમે નવીપીપળી ગામ સામે પાવર હાઉસ પાસે વોચ ગોઠવી હતી. જ્યાંથી સુલતાન સલેમાન ઉર્ફે સરમણભાઈ સુમરા, સોહિલ ઉર્ફે ભુરો રસુલભાઈ સુમરા, સતીષ ઉર્ફે વલિયો રમેશભાઈ ડેડવાણી, સુરેશ ઉર્ફે સૂરિયો અવચરભાઈ જંજવાડિયા બધા રહે. વિશિપરા, મોરબી-2 વાળા બે બાઇક ઉપર નીકળ્યા હતા.અને તેઓને રોકીને થેલો ચેક કરતા 116 મોબાઈલ મળી આવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

એલસીબીએ 116 મોબાઈલ કિંમત રૂ.5,65,500 અને બે બાઈક કિંમત રૂ.40 હજાર મળી કુલ રૂ.6.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચારેય શખ્સોની પ્રાથમિક પૂછપરછ હાતબ ધરતા તેઓએ બન્ને ગુના આચર્યાની કબૂલાત આપી છે. હજુ પણ તપાસમાં વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી સંભાવના છે.

- text

આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, એએસઆઈ એચ.એમ.ચાવડા, પી.એસ. ખાંભરા, હેડ કોન્સ. દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જ્યવંતસિંહ ગોહિલ, ચંદુભાઈ કાણોતરા, રજનીકાંતભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, કૌશિકભાઈ મારવણીયા, રસિકભાઈ ચાવડા, ફૂલીબેન તરાર, કોન્સ. અશોકસિંહ ચુડાસમા, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભરતભાઇ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલા, નિરવભાઈ મકવાણા, જયેશભાઇ વાઘેલા, નિર્મલસિંહ જાડેજા, આસિફભાઈ ચાણક્ય, ભરતભાઈ જિલરીયા, બ્રિજેશભાઈ કાસુંદરા, યોગેશદાન ગઢવી, સતિષભાઈ કાંજીયા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડા વગેરે જોડાયા હતા.

- text